મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

માનવતા મરી પરવારી

કોલેજમાં શંકાસ્પદ સ્થિતિમાં દીકરીનું મોતઃ શબ પાસે બેઠેલા પિતાને પોલીસે મારી લાત

હૈદરાબાદ, તા.૨૭: માનવતા મરી પરવારી છે. બુધવારે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં બનેલી ઘટના અને તેનો વિડીયો જોઈને તમે પણ આ વાત માની જશો! સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તમે જોઈ શકો છો કે દીકરીના મૃતદેહ પાસે બેઠેલા પિતાને પોલીસ લાત મારી રહી છે. પિતા દીકરીના મૃતદેહને આગળ લઈ જતો અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસવાળા તેને ત્યાંથી હડસેલી રહ્યા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સંગારેડ્ડી જિલ્લામાં આવેલી નારાયણા જૂનિયર કોલેજમાં ૧૧માં ધોરણમાં ભણતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની સંધ્યા રાનીએ કથિત રીતે હોસ્ટેલમાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. તેના પરિવારજનોએ કોલેજના સત્તાધીશો પર બેજવાબદારીનો આરોપ મૂકયો છે. તેમનો આરોપ છે કે તેમની દીકરી છેલ્લા ૪ દિવસથી બીમાર હતી. તેમ છતાં તેને ઘરે જવાની મંજૂરી અપાઈ નહોતી. વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ જયાં તેને મૃત જાહેર કરાઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટનચેરુની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

વિદ્યાર્થિનીનો મૃતદેહ શબઘરમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે ડઝન જેટલા વિદ્યાર્થીઓ શબઘરમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ બહાર કાઢીને લઈ આવ્યા જેના કારણે હોસ્પિટલમાં હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે મૃતદેહ બહાર લાવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓ વિદ્યાર્થિનીના મૃતદેહને ફરીથી શબદ્યરમાં લઈ જવા દોડી આવ્યા હતા. એ વખતે મૃતકના પિતા મૃતદેહ આગળ સૂઈ ગયા. જે બાદ એક પોલીસકર્મીએ મૃતક વિદ્યાર્થિનીના પિતાને લાત મારી હતી. જો કે, આ ઘટના બાદ પોલીસકર્મી સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(10:19 am IST)