મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

નવનીતસિંઘનું ટ્રેકટર ઉંધુ પડ્યું અને તે મોતને ભેટ્યા એ પહેલા ગોળી વાગ્યાનો સાથી દેખાવકારોનો આક્ષેપ

આંધ્ર એજ્યુકેશન સોસાયટીના સીસીટીવી ચેક કરવા ખેડૂત દેખાવકારોની માંગણી

નવી દિલ્હીઃ ગઇકાલે પ્રજાસત્તાક દિનના રોજ મહિનાઓની ચાલી રહેલા ખેડૂત આંદોલન સંદર્ભે શાંતિપુર્ણ ટ્રેકટર રેલીનું આયોજન ખેડૂત મોરચાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવનીતસિંઘ નામના ખેડૂત દેખાવકારનું ટ્રેકટર ઉંધી વળતાં તેનું મૃત્યુ નિપજ્યાના ફૂટેજ ટેલીવિઝન સ્ક્રીન ઉપર અને વિડીયો કલીપમાં વાયરલ થયા હતાં. પ્રાથમિક તબક્કે આ ઘટના ટ્રેકટર ઉંધુ પડતાં મૃત્યુની હોવાનું સપાટી પર આવ્યું હતું. પરંતુ આ દેખાવમાં નવનીતસિંઘ સાથે રહેલા સાથી ખેડૂતો પૈકીના ઉત્તરાખંડના  હરમનજીતસિંઘે જણાવ્યું હતું કે અમે બધા સાથે શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતાં. નવનીતસિંઘને ગોળી વાગી હતી અને મૃત્યુ પામ્યો તેના અમે સાક્ષી છીએ. ગોળીબાર આંધ્ર એજ્યુકેશન સોસાયટી-દિનદયાળ ઉપાધ્યાય માર્ગ ઉપર થયો હતો. હું ટ્રેકટરની પાસે ચાલી રહ્યો હતો. નવનીતસિંઘ ટ્રેકટર ચલાવી રહ્યો હતો ત્યારે તેને ગોળી વાગી હતી. પાછળથી ટ્રેકટર ઉંધુ પડ્યું હતું. હરમનજીતસિંઘે ઉમેર્યુ કે દિલ્હી પોલીસ નવનીતસિંઘના મૃતદેહનો કબ્જો લેવા માંગતી હતી. પણ ખેડૂત પ્રદર્શનકર્તાઓએ તેમને અટકાવ્યા હતાં. ગાઝીપુર ખાતે ચાલી રહેલા શાંતિપુર્ણ પરેડ અને દેખાવો વખતે નવનીતસિંઘ અને હરમનજીતસિંઘ સહિતના એક ખેડૂત ગ્રુપમાં સામેલ હતાં. પોલીસે ત્યારે લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયરગેસના સેલ છોડ્યા હતાં. આંધ્ર એજ્યુકેશન સોસાયટી કે જે જ્યાં બનાવ બન્યો ત્યાં બે સીસીટીવી કેમેરા ફીટ થયેલા છે તેને ચેક કરી ઘટનાનું સત્ય બહાર લાવવા માંગણી કરવામાં આવી છે. નવનીતસિંઘના તિરંગાથી વીંટળાયેલા મૃતદેહ સમક્ષ વિરોધ પ્રદર્શીત કરી રહેલા સાથી દેખાવખારો જોઇ શકાય છે.

(3:48 pm IST)