મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

રેલીને મંજુરીથી હિંસા થશે એવી ચેતવણી કેન્દ્રએ અવગણી

ગુપ્તચર બ્યુરો અને દિલ્હી પોલીસે કેન્દ્ર સરકારને ચેતવી હતી છતાં મંજુરી આપી : ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવું કેન્દ્રનું વલણ : હવે બેઠકોનો દોર

નવી દિલ્હી તા. ૨૭ : દેશની રાજધાનીમાં ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોને ટ્રેકટર રેલી કાઢવાની પરવાનગી આપવા સામે દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોએ સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારે તેમની વાત સાંભળી નહોતી એવી ચોંકાવનારી માહિતી મળી હતી. પ્રજાસત્તાક દિનની પહેલાં બેઠકમાં દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (કેન્દ્રીય ગુપ્તચર વિભાગ) બંનેએ સ્પષ્ટ શબ્દોમાં એવી દહેશત વ્યકત કરી હતી કે ખેડૂતોને ટ્રેકટર રેલી કાઢવાની પરવાનગી આપવાથી દિલ્હીમાં હિંસક દેખાવો થઇ શકે છે.

કેન્દ્રના ગૃહ ખાતાએ પોલીસ અને ગુપ્તચર શાખાની વાત કાને ધરી નહોતી. ટ્રેકટર રેલીના બહાને હિંસા ફેલાઇ અને પરિસ્થિતિ વણસી ત્યાર બાદ અમિત શાહે તાકીદની બેઠક બોલાવી હતી એવું જાણવા મળ્યું હતું. કદાચ કેન્દ્ર સરકારને એવો ડર હતો કે ટ્રેકટર રેલીની પરવાનગી નહીં આપવાથી સંજોગો વધુ કપરા બની શકે છે અને ખેડૂતો અંતિમવાદી પગલું ભરી શકે છે. વાસ્તવમાં ટ્રેકટર રેલીની પરવાનગી ખેડૂતોને હિંસા આચરવા માટે મળી ગયેલો એક પ્રકારનો પરવાનો હતો. છેક લાલ કિલ્લા સુધી તોફાનીઓ પહોંચી ગયા હતા અને લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ ફરકાવી દઇને દેશનું અપમાન કર્યું હતું.

દિલ્હીના તમામ સીમાડાથી માંડીને છેક આઇટીઓ અને લાલ કિલ્લા સુધી તોફાનીઓ તલવાર અને લોખંડના સળિયા સાથે પહોંચી ગયા હતા અને ઠેકઠેકાણે હિંસા આચરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા ઉપરાંત પોલીસ પર પ્રહારો કર્યા હતા. કેટલાય પોલીસ લાલ કિલ્લાની પાછળની ખાઇમાં પડી ગયા હતા અને સંખ્યાબંધ પોલીસને મારપીટનો ભોગ બનવું પડ્યું હતું. એ માટે રાજકીય કક્ષાએ લેવાયેલો ટ્રેકટર રેલીને પરવાનગી આપવાનો નિર્ણય જવાબદાર હતો એમ જાણકાર સૂત્રો કહે છે.

૨૬મી જાન્યુઆરીએ સવારથી તે છેક બપોરે સાડા ત્રણ સુધીમાં પરિસ્થિતિ સાવ બેકાબુ બની ગઇ ત્યારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પોતાને ઘેર ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. એ પહેલાં તોફાનીઓ લાલ કિલ્લામાં ઘુસી ચૂકયા હતા અને ભાંગફોડ કરી રહ્યા હતા. અમિત શાહે બોલાવેલી બેઠક પણ દોઢ કલાક ચાલી ત્યાં સુધીમાં તો તોફાનીઓ મનફાવે એટલી હિંસા આચરી ચૂકયા હતા. અમિત શાહે પગલાં લેવાનું કહ્યું એ તો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવા જેવી વાત હતી.

સંજોગો વણસી ગયા પછી દિલ્હીમાં અર્ધલશ્કરી ટુકડીઓની સેવા લેવામાં આવી અને સિંધુ બોર્ડર ગાજીપુર, ટીકરી, મકરબા અને નાંગલોઇમાં ઇન્ટરનેટ સેવા ઠપ કરી દેવામાં આવી હતી. પોલીસને સંયમ વર્તવાની સલાહ આપવામાં આવી હતી એટલે ગોળીબાર થયા નહોતા. એક પોલીસ અધિકારીએ પોતાની ઓળખ છૂપાવીને કહ્યું કે સામાન્ય સંજોગોમાં ટ્રેકટરના ટાયર પંકચર્ડ કરી દઇ શકાયા હોત, પરંતુ કદાચ આવું બની શકે એવા ખ્યાલથી ટ્રેકટર ચાલકો અતિ ઝડપે ટ્રેકટર દોડાવી રહ્યા હતા. એક લાખ દેખાવકારો અને એકસોથી વધુ ટ્રેકટર દોડી રહ્યા હતા. એ જોઇને ફરજ પરના પોલીસ પણ ડઘાઇ ગયા હતા. તેમને વધુ કડક પગલાં લેવાની પરવાનગી અપાઇ નહોતી

(3:45 pm IST)