મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

આ અંગેનો સર્કયુલર બહાર પાડી શકે છે ઇરડા

રસી લગાવ્યા પછી હોસ્પટલમાં દાખલ થવું પડે તો કલેમ કરી શકાય છે હેલ્થ ઇન્સ્યોરન્સ

નવી દિલ્હીઃ રસી લગાવવામાં કોઇ ગંભીર રીએકશન આવે અને તેના કારણે હોસ્પિટલનું ભારે ભરખમ બિલ ચુકવવું પડશે તેવા ભયથી જો તમે રસી નથી મુકાવતા તો તમારે ફરી એકવાર વિચારવાની જરૂર છે. તમારી હેલ્થ ઇન્યોરન્સ પોલીસીમાં રસીના રીએકશનના કારણે થનારો ખર્ચ પણ કવર થશે. ઇન્યોરન્સ ઇન્ડસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું કે રેગ્યુલર પોલીસી શરતોની સાથે તેઓ રસીના કારણે હોસ્પિટલ પર થનાર ખર્ચને પણ કવર કરશે. આ બાબતની માહિતી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે નવી રસીનું રીએકશન જોવા મળી શકે છે. જો કોરોના રસી લીધા પછી કોઇ પોલિસી હોલ્ડરને તકલીફ થાય અથવા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે તો તે હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ કવર થશે. વીમા નિયામક સંસ્થા ઇરડા આ અંગે સર્કયુલર બહાર પાડી શકે છે.

હાલમાં જ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓએ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સીલ દ્વારા ઇરડાને આ અંગે સ્પષ્ટ માહિતી આપી દીધી છે. બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ આ ઇન્ડસ્ટ્રી બોડીની સભ્ય છે. જો કે આમાં રસી મુકાવવાનો ખર્ચ સામેલ નહી થાય. સાથે જ બધી હેલ્થ પ્રોડકટસ હેઠળ લાભ મેળવવા માટે પોલિસી હોલ્ડરે સારવાર માટે ઓછામાં ઓછા ૨૪ કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે.

કેવી રીતે ફાઇલ કરી શકાશે કલેમ

આના માટે પણ કલેઇમ ફાઇલ કરવાની પ્રક્રિયા અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ  કલેમની જેમ જ રહેશે. જો કોઇ પોલિસી હોલ્ડરને રસી મુકાવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવે તો તેણે ઇન્સ્યોરન્સ કંપનીએ આ અંગે જાણ કરવાની રહેશે.

હેલ્થ ઇન્સ્યોરન્સ  પોલિસીના આધાર પર નિર્ભર રહેશે કે તે વ્યકિતને કેશલેસ કવર મળશે કે રેઇમ્બર્સમેન્ટનો લાભ મળશે. કલેઇમની રકમ પોલીસીની સાઇઝ, રૂમ રેન્ટ અને ડોકટરોની ફી સહિતના અન્ય ચાર્જીસ પર નિર્ભર કરશે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોરોના રસી મુકાવવાથી કોઇ ગંભીર તકલીફ થવાથી હોસ્પિટલમાં દાખલલ થયાની સ્થિતીમાં જ કલેઇમ મુકી શકાય છે. સામાન્ય તાવ, બદન દર્દ માટે સ્થાનિક ડોકટર પાસે કરાવાયેલ ઇલાજ અથવા દવા માટે આ કલેઇમ નહીં કરી શકાય.

(3:43 pm IST)