મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ગણતંત્ર દિવસઃ દિલ્હીમાં જોવા મળી દેશની તાકાત અને સંસ્કૃતિની ઝલક

રાજપથ પર ન્યુ ઇન્ડિયાનું અભિમાન- ગૌરવ - ઘાતક અને મારક હથિયારો સ્વરૂપે જોવા મળી આત્મનિર્ભર ભારતની ઝાંખી : ભારતની આન-બાન-શાનના દર્શન થયાઃ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઉપસ્થિતીમાં દેશની સંસ્કૃતિની અને સૈન્ય તાકાત દર્શાવવામાં આવીઃ રાફેલ-ભીષ્મ-ચિનુક-અપાચે પણ જોવા મળ્યા

નવી દિલ્હી, તા.૨૭: દેશના ૭૨માં ગણતંત્ર દિવસ પર ગઇકાલે રાજપથ પર   યુધ્ધ વિમાન રાફેલ અને ટેંક ભીષ્મ સાથે સૈન્યને પોતાની તાકાત દર્શાવી હતી. આ ઉપરાંત વાયુસેનાના પાયલટોએ પોતાની કળા અને જાંબાજીનું પ્રદર્શન પણ કર્યુ હતું. હાલમાં જ વાયુસેનામાં સામેલ કરાયેલ રાફેલને લોકોએ ગણતંત્ર દિવસ પરેડમાં પહેલીવાર જોયા. રાફેલે પોતાના પ્રદર્શનમાં આકાશમાં બ્રહ્મશાસ્ત્રની આકૃતી બનાવી તો ચાર અન્ય યુધ્ધ વિમાનો સાથે એકલવ્યનો અદભૂત નજારો પણ રજૂ કર્યો. એકલવ્યની આકૃતિનું નિર્માણ કરવામાં રાફેલ વિમાનનો સાથે બે જેગુઆર અને બેમીગ -૨૯ વિમાનોએ આપ્યો.

પરેડમાં દેશની સૌથી શકિતશાળી ટેંક ટી-૯૦ ભીષ્મને પણ લોકોએ જોઇ તો ડી.આર.ડીઓની ઝાંખીમાં એન્ટી ટેંક ગાઇડેડ મીસાઇલનું પણ પ્રદર્શન કરાયું. પરેડમાં બ્રહમોસ મિસાઇલ, સુખોઇ ૩૦ એમ કે આઇ, મિગ ૨૯, સી ૧૭ ગ્લોબમાસ્ટર, સી ૧૩૦ જે વિમાનોએ પણ ભાગ લીધો. ગણતંત્ર દિવસ પર ભારતીય વાયુસેનાના સલામી દસ્તામાં પહેલીવાર મહિલા પાયલોટ સામેલ થઇ હતી. જે રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ હતી. જયારે ફલાઇટ લેફટેનંટ ભાવના કંઠે પરેડમાં સલામી આપી. આ વખતની પરેડમાં વાયુસેનાના ૩૮ વિમાનોએ ભાગ લીધો જયારે ભૂમિસેનાના ૪ વિમાનો સામેલ થયા હતા.

રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં બાંગ્લાદદેશ સશસ્ત્ર સેનાના ૧૨૨ જવાનોએ પણ ભાગ લીધો હતો. બાંગ્લાદેશની આ ટુકડીનું નેતૃત્વ કમાંડર લેફટેનન્ટ કર્નલ અબૂ મોહમ્મદ શાહનૂરે કર્યુ હતું. આ વર્ષે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંબંધોને પચાી વર્ષ પૂરા થવાના છે.

દિલ્હીમાં ગણતંત્ર દિવસ સમારંભને ધ્યાનમાં રાખીને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના હેઠળ હજારો સશસ્ત્ર કર્મીઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ સાથે પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. પરેડ દરમ્યાન ગૃહપ્રધાન અમિતભાઇ શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સહિત મોટા ભાગના પ્રધાનો ઉપસ્થિત હતા.

વડાપ્રધાન મોદી આ સમારોહમાં જામનગરની ખાસ હાલારી પાઘડીમાં જોવા મળ્યા હતા. જામનગરના રાજવી પરિવારે વડાપ્રધાનને આ હાલારી પાઘડી ઉપહાર તરીકે આપી છે, જેમાં લાલ અને પીળા રંગની ટપકીઓ છે. વડાપ્રધાને આ પાઘડી સાથે પારંપરિક કુર્તો પાયજામો પહેર્યો હતો સાથે જ ગ્રે રંગનું જેકેટ પહેર્યુ હતું અને માસ્ક પણ લગાવ્યુ હતુ.

વાયુદળમાં હાલમાં સામેલ કરાયેલ ચિનુક અને અપાચે યુધ્ધ હેલીકોપ્ટર ભવ્ય પરેડમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

(1:02 pm IST)