અનંતનાગમાં સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકી હુમલો: ત્રણ જવાન ઘાયલ: એક ગંભીર
અનંતનાગના શામ્શીપુરા નજીક 24 આરઆરની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો
જમ્મુ-કાશ્મીરમાં સેના પર હુમલો કરવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ અનંતનાગના બિજબેરા વિસ્તારમાં સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે.
માહિતી અનુસાર, અનંતનાગના શામ્શીપુરા નજીક શ્રીનગર-જમ્મુ હાઇવે પર આતંકીઓએ 24 આરઆરની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું કે આતંકીઓએ સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેના જવાબમાં ત્યાં હાજર સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું. જો કે, આતંકવાદીઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ સૈનિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે એક જવાનની હાલત ગંભીર છે. સેનાએ આ વિસ્તારમાં ઘેરો પાડતા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.