મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

સતત બીજા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

મોંઘવારીનો માર- જાન્યુઆરી મહિનામાં પેટ્રોલના ભાવમાં ૨.૫૯ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૨.૩૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

નવી દિલ્હી, તા.૨૭: આજે સતત બીજા દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ વધારા બાદ હજે મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ૨૫ પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ પણ ૨૫ પૈસા પ્રતિ લીટર વધી ગયો. ત્યારબાદ પેટ્રોલ ૮૬.૩૫ રૂપિયા અને ડીઝલ ૭૬.૪૮ રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. નોંધનીય છે કે, નવા વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સમયાંતરે વધારો થઈ રહ્યો છે. જેને કારણે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે.

આ વર્ષે ૨૭ દિવસમાં આમ તો માત્ર ૧૦ દિવસ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલનો ભાવ ૨.૫૯ રૂપિયા પ્રતિ લીટર વધી ચૂકયો છે. આ વર્ષે ડીઝલના ભાવમાં પણ ૨.૩૫ રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગયો છે. અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૮૬.૩૫ રૂપિયા અને ડીઝલ ૭૬.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ ૯૨.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૩.૩૦ રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ ૮૭.૬૯ રૂપિયા અને ડીઝલ ૮૦.૦૮ રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈ- પેટ્રોલ ૮૮.૮૨ રૂપિયા અને ડીઝલ ૮૧.૭૧ રૂપિયા પ્રતિ લીટર છે.

(11:57 am IST)