મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ખેડૂતોની એ ૯ ભૂલો જેના કારણે સુરક્ષાદળો સાથે થયું હિંસક ઘર્ષણ : દિલ્હીવાસીઓ મૂકાયા ચિંતામાં

ખેડૂતો નિયત રૂટ બદલીને દિલ્હીમાં ઘૂસી આવ્યાઃ લાલ કિલ્લા પરિસરમાં હોબાળો કર્યો અને પોલીસ સાથે સીધો સંઘર્ષ કર્યો

નવી દિલ્હી, તા.૨૭: ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ઘ ગણતંત્ર દિવસ પર ખેડૂતો દ્વારા યોજવામાં આવેલી ટ્રેકટર પરેડ દરમિયાન સુરક્ષા દળો અને ખેડૂતોની વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળ્યો. મધ્ય અને દિલ્હીના બહારના વિસ્તારોમાં સ્થિતિ ઘણી ગંભીર બનેલી રહી. આખો દિવસ ખેડૂતો અને પોલીસના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણનું કારણ શું હતું અને અત્યાર સુધી શાંતિપૂર્ણ ચાલી રહેલા ખેડૂત આંદોલન માં ખેડૂતો તરફથી શું ભૂલો થઈ, તેને જાણવી પણ ખૂબ જરૂરી છે.

મૂળે, ટકરાવની સ્થિતિ ત્યારે ઊભી થઈ, જયારે દિલ્હી પોલીસની સહમતિ બાદ નિયત સમય અને રૂટોનું ખેડૂતો દ્વારા ઉલ્લંઘન કરવાનું શરૂ કરવામાં આવ્યું. સવારે સિંદ્યુ, ટિકરી, ગાજીપુર બોર્ડર તથા અન્ય સ્થળોથી ખેડૂતોનો ટ્રેકટર કાફલો રવાના થયો, પરંતુ તે પોતાના નિયત રૂટથી ભટકીને દિલ્હીમાં પ્રવેશ કરવા લાગ્યો. આ દરમિયાન ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા અવરોધોને બળજબરીથી હટાવવાનું શરૂ કરી દીધું. તેનાથી સુરક્ષાદળો અને ખેડૂતોની વચ્ચે દ્યર્ષણની સ્થિતિ ઊભી થઈ ગઈ અને બંને પક્ષોમાં ટકરાવ થઇ ગયો.

ત્યારબાદ ખેડૂતો પૂર્વ દિલ્હીના બહારના મુખ્ય માર્ગ, આઇટીઓ, લાલ કિલ્લા અને તેની આસપાસના મુખ્ય માર્ગ, નાંગલોઇ, પશ્ચિમ અને બહારની દિલ્હીમાં હજારો ટ્રેકટર લઈને પ્રવેશ કરી ગયા. તેનાથી સમગ્ર દિલ્હીનો ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર ગંભીર સ્થિતિ ઊભી થઈ. દિલ્હી પોલીસનું કહેવું છે કે ખેડૂતોએ તે તમામ શરતોનું ઉલ્લંઘન કર્યું, જે પરેડને મંજૂરી આપતી વખતે લાદવામાં આવી હતી. પોલીસ કમિશ્નર એસ. એન. શ્રીવાસ્તવે પણ કહ્યું કે અનેક ચરણોની બેઠક બાદ ટ્રેકટર રેલી માટે સમય એન માર્ગોને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોએ ટ્રેકટરોને તે રૂટ પરથી હટાવી દીધા અને દિલ્હીમાં પ્રવેશ કરી ગયા. તેમના તરફથી બર્બરતા કરવામાં આવી, જેમાં અનેક પોલીસકર્મી દ્યાયલ થયા છે. તેઓએ એવું પણ કહ્યું કે મોટાપાયે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતોથી થયેલી આ ૯ ભૂલો, જેના કારણે દિલ્હીમાં થઈ આવી સ્થિતિ...

૧. ખેડૂતો પોતાના રૂટથી ભટકયા. ૨. બેરિકેડ્સ તોડી દિલ્હીની અંદર ઘૂસી આવ્યા. ૩. સાર્વજનિક સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું. ૪. બસોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી. તેના કાચ તોડી દીધા. ૫. ૧૨ વાગ્યા પહેલા જ પરેડની શરૂઆત કરી દીધી. ૬. પરેડ-પ્રદર્શનમાં સામેલ ખેડૂત લાઠીઓ લઈને આવ્યા હતા. અનેકની પાસે તલવાર જેવા હથિયાર પણ હતા. ૭. પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો. ૮. અનેક સ્થળો પર સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો. તેમની પર ટ્રેકટર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. ૯. લાલ કિલ્લા પરિસરમાં ઘૂસીને તોફાન મચાવી દીધું. ત્યાં પોતાનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો.

(11:54 am IST)