મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

સેન્સેક્સમાં સતત કડાકો, ૯૩૭ પોઈન્ટનું મોટુ ગાબડું

ઐતિહાસિક સપાટી બાદ સેન્સેક્સમાં સતત ઘટાડો :નિફ્ટી ૨૭૧ પોઈન્ટ તૂટ્યો, જંગી વેચવાલીથી બેન્કિંગ, મેટલ સેક્ટરમાં મોટો કડાકો, ૨.૬૬ લાખ કરોડનું નુકસાન

મુંબઈ, તા. ૨૭ : ૫૦ હજાર પોઈન્ટ્સની ઐતિહાસિક સપાટીને આંબ્યા બાદ સેન્સેક્સમાં સતત ધોવાણ ચાલુ છે. આજે પણ જંગી વેચવાલીના કારણે સેન્સેક્સ ૯૩૭ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૪૭,૪૦૯ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. તેમજ નિફ્ટી ૨૭૧.૪૦ પોઇન્ટ એટલે ૧.૯૧% ટકાના ઘટાડા સાથે ૧૩,૯૬૭.૫૦ પર બંધ રહયો છે. ૨૧ જાન્યુઆરીએ ૫૦,૧૮૪ પોઈન્ટ્સના પોતાના સર્વોચ્ચ શિખરને સર કરનારો સેન્સેક્સ માત્ર સાત જ દિવસમાં અઢી હજાર પોઈન્ટ્સ જેટલો ઘટી ચૂક્યો છે. આજે ઘટનારા મુખ્ય શેર્સમાં ઈન્ડસઈન્ડ બેંક ટોચ પર રહ્યો હતો. તેમાં ૪.૨૬ ટકાનું ગાબડું પડ્યું હતું અને માર્કેટ બંધ થયું ત્યારે શેર ૮૧૫ રુપિયાની સપાટી પર ક્લોઝ થયો હતો. ત્યારબાદ ટાઈટનમાં પણ આજે ૪.૧૬ ટકા, એક્સિસ બેંકમાં ૩.૭૪ ટકા અને એચડીએફબી બેંકમાં ૩.૫૫ ટકાનું ગાબડું પડ્યું હતું.

આજે વધનારા શેર્સમાં ટેક મહિન્દ્રા, આઈટીસી અને એચસીએલ ટેક ટોપ થ્રીમાં રહ્યા હતા. બીજી તરફ, રિલાયન્સમાં આજે પણ ધોવાણ ચાલુ રહ્યું હતું અને માર્કેટ બંધ થયું ત્યારે તેનો શેર ૨.૫૬ ટકાના ઘટાડા સાથે ૧૮૯૦ની સપાટી પર હતો. ઈન્ફોસિસમાં પણ આજે ૧.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, અને શેર ૧૩૦૨ રુપિયાના સ્તરે બંધ થયો હતો.

આ ઉપરાંત, બજાજ ફાઈનાન્સ ૧.૩૯ ટકાના ઘટાડા સાથે ૪૮૩૩, એચડીએફસી ૩.૧૬ ટકાના ઘટાડા સાથે ૨૪૭૧, એશિયન પેઈન્ટ્સ ૩.૩૧ ટકાના ઘટાડા સાથે ૨૪૨૧, ડૉ. રેડ્ડી ૩.૫૦ ટકાના ઘટાડા સાથે ૪૯૦૪ના સ્તરે બંધ થયા હતા.

એનએસઈ પર આજે સૌથી વધુ ઘટનારા શેર્સમાં ૪.૧૭ ટકાના ઘટાડા સાથે ટાટા મોટર્સ ટોચ પર રહ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, ગેઈલ, હિન્દાલ્કોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ વધનારા શેર્સમાં ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, વિપ્રો, સિપ્લા, અલ્ટ્રાટેક, એચડીએફસી લાઈફ ટોચ પર રહ્યા હતા. સેન્સેક્સમાં -૯૩૭ પોઇન્ટનો કડાકો પડ્યો છે. જેમાં નિફ્ટી પણ ૧૪ હજારની નીચે છે. તેથી રોકાણકારોને ૨.૬૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૯૩૭.૬૬ પોઇન્ટ એટલે ૧.૯૪% ટકાના કડાકા સાથે ૪૭,૪૦૯.૯૩ પર બંધ થયો છે.  આજે, ભારે વેચવાલી જ કારણ છે કે તમામ ક્ષેત્રો લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. જેમાં સૌથી વધુ ઘટાડો બેક્નિંગ અને મેટલ સેક્ટરમાં જોવા મળી રહ્યો હતો. ફાર્મા સેક્ટરમાં પણ દબાણ હતું. બ્રોડર માર્કેટની વાત કરીએ તો બીએસઈના સ્મોલકેપ અને મિડ-કેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સીએનએક્સ મિડકેપમાં પણ ૩૦૦ પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.

દિગ્ગજ શેરની વાત કરીએ તો, આજે ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇટીસી, વિપ્રો અને એસબીઆઇ લાઇફના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, હિંડાલ્કો અને ઈન્ડસઇન્ડ બેંક લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે એફએમસીજી સિવાય તમામ સેક્ટર લાલ નિશાન પર બંધ થયા છે. આમાં ફાર્મા, મેટલ, ફાઇનાન્સ સેવાઓ અને બેંક તથા ઓટો, આઇટી, પીએસયુ બેંકો, મીડિયા, ખાનગી બેક્નો અને રિયલ્ટી શામેલ છે.

(7:44 pm IST)