મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન

દેશમાં ઘણી એવી પરંપરા છે, જેને સાંભળી કે જોઈ લોકો ચોંકી જાય છે

નવી દિલ્હી, તા.૨૭: ભારતના જુદા-જુદા હિસ્સાઓમાં હજુપણ અંધવિશ્વાસ જોવા મળી રહ્યો છે. દેશમાં ઘણી એવી પરંપરા છે, જેને સાંભળી કે જોઈ લોકો ચોંકી જાય છે. આવી જ એક વિચિત્ર પરંપરા ઓરિસ્સાની હો જાતિના લોકોમાં જોવા મળે છે.

ઓરિસ્સાના મયૂરભંજ જીલ્લામાં હો જાતિના લોકોમાં એક પરંપરા અંધવિશ્વાસને કારણે ચાલી રહી છે. અહીં ૨ બાળકોના લગ્ન કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા. જેની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે બાળકોને ઉપરના દાંત પહેલા આવ્યા હતા.

ઓરિસ્સાના આ સમુદાયના લોકોમાં બાળકોના ઉપરના દાંત પહેલા આવે તેને અશુભ માનવામાં આવે છે. તેથી બાળકોના લગ્ન કૂતરા સાથે કરાવવામાં આવે છે. છોકરો હોય તો તેના લગ્ન કૂતરી સાથે છોકરી હોય તો તેના લગ્ન ગલુડિયા સાથે કરવામા આવે છે. આ જીલ્લાના સુકરૌલી બ્લોક હેઠળ આવતા ગમ્ભરિયા ગામમાં ૨ પરિવારોએ પોતાના બાળકોના લગ્ન કૂતરીઓ જોડે કરાવ્યા હતા. બંને બાળકોના ઉપરના દાંત આવતા જોવા મળ્યા હતા.

ડેબેન ચતર અને નોરેન પૂર્તિએ અપશુકનને દૂર કરવા માટે પોતાના પૂર્વજોની પરંપરાનું પાલન કર્યું હતું. આ વિચિત્ર પરંપરા ઉત્તરાયણ અને શિવરાત્રિના તહેવારના વચગાળાના સમયમાં કરવામા આવે છે. આ સમુદાયમાં વિચિત્ર પરંપરા દ્યણા દાયકાઓથી ચાલી રહી છે. પૂર્વજોની પરંપરા આજના સમયમાં પણ લોકો છોડી રહ્યાં નથી. પૂર્તિએ ગામમાં પોતાના દીકરાના લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ લગ્નમાં દ્યણા લોકો સામેલ થયા હતા. આ ઉપરાંત લગ્નની ધૂમધામથી ઉજવણી કરવામા આવી હતી.

મયૂરભંજના એસપીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જાગૃકતા લાવવા માટે પહેલ કરવામા આવશે. ઓરિસ્સામાં કૂતરાની સાથે ઘણા સમુદાયમાં વૃક્ષો સાથે લગ્ન કરાવવાની પરંપરા પણ છે. આ વિસ્તારની વિચિત્ર પરંપરાઓ અવારનવાર ચર્ચાનું કારણ બનતી હોય છે.

(10:21 am IST)