મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

બેડમિંટન વર્લ્ડ ફેડરેશનની વર્લ્ડ ટૂર ફાઈનલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે શ્રીકાંત અને સિંધુ

નવી દિલ્હી :બેડમિંટન ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત અને પીવી સિંધુ બુધવારથી શરૂ થનારી બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) ની વર્લ્ડ ટૂર ફાઈનલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. ગયા અઠવાડિયે ક્વાર્ટર ફાઇનલમાં રત્વાનોક ઈંતાનોન સામે હાર્યા બાદ, સિંધુ થાઇલેન્ડ ઓપનથી બહાર થઈ ગઈ હતી. જ્યારે શ્રીકાંત તેની રૂમ મેટ સાઇ પ્રણીતને કોરોનો-વાયરસ ચેપ લાગ્યો પછી ટૂર્નામેન્ટમાંથી પાછો ફરી ગયો હતો.

 શ્રીકાંતે થાઇલેન્ડ ઓપનમાં સારી શરૂઆત કરી હતી. શ્રીકાંતે 38 મિનિટ સુધી ચાલેલી મેચમાં થાઇલેન્ડની સાઈટથીકોમ થમાસિનને 21-11, 21-11થી હરાવ્યો હતો. વર્લ્ડ ટૂર ફાઇનલમાં સિંધુને મહિલા સિંગલ્સના ગ્રુપ બી માં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે શ્રીકાંત મેન્સ સિંગલ્સના ગ્રુપ બીમાં છે.

બીડબ્લ્યુએફએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પુરુષ સિંગલ્સ કેટેગરીના ગ્રુપ બી માં એન્ડર્સ એન્ટોનસેન, વાંગ ત્ઝુ વી (ચાઇનીઝ તાઈપે), કિદામ્બી શ્રીકાંત (ભારત) અને એનજી કા લોંગ એંગસ (હોંગકોંગ ચાઇના) છે."

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'વર્લ્ડ નંબર 1 તાઈ ત્ઝુ યિંગ (ચાઇનીઝ તાઈપાઇ), રત્વાનોક ઈતાનોન અને પોર્નપાવી ચોચુવાંગ અને વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ (ભારત) મહિલા સિંગલ્સ કેટેગરીના ગ્રુપ બીમાં સામેલ છે.'

ગ્રુપ સ્ટેજની બાદ નોકઆઉટ થશે, જેમાં દરેક ગ્રુપના ટોચના બે ખેલાડીઓ સેમિફાઇનલમાં પહોંચશે. આ ટૂર્નામેન્ટ બુધવારે શરૂ થશે અને ફાઈનલ 31 જાન્યુઆરીએ યોજાશે. સ્પેનની કેરોલિના મારિને રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં તાઈ ત્ઝુ યિંગને હરાવીને થાઇલેન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો. મારિન 48 મિનિટની મેચમાં સીધી બે મેચમાં 21-19, 21-17થી જીતી ગઈ હતી.

ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન મારિન એન સે યંગની સાથે મહિલા સિંગલ્સ ગ્રુપ એ માં છે. આ બંને સિવાય જૂથમાં કેનેડાની મિશેલ લી અને એવગેનીયા કોસેત્સ્કાયા પણ શામેલ છે

(12:49 am IST)