મુખ્ય સમાચાર
News of Monday, 27th January 2020

મોદી સરકારે બજેટના 2 હજાર કરોડનાં કૃષિ ફંડમાંથી માત્ર 10.45 કરોડ રૂપિયા જ ખર્ચ્યા

પ્રસ્તાવ 22 હજાર બજારોમાંથી 376ને જ વિકસિત કરવામાં ખર્ચ કરાયો

નવી દિલ્હી : ખેડુતોની ઉપજનું સારૂ મુલ્ય અપાવવા માટે મોદી સરકારે 2018-19એ બજેટમાં 2 હજાર કરોડ રૂપિયાનાં ફંડથી આધુનિક કૃષિ બજાર અને સંરચના કોષની સ્થાપના કરવા માટેની જાહેરાત કરી હતી પરંતુ  આ ફંડમાંથી બે વર્ષમાં માત્ર 10.45 કરોડ રૂપિયા જ ખર્ચ થઇ શક્યા છે,

આ યોજના અનુસાર નવા વિકસિત બજારોને ગ્રામીણ કૃષિ બજાર અથવા GRAMSનું નામ આપવાનું હતું. તેનો હેતું 22 હજાર ગ્રામીણ કૃષિ બજાર અને 585 એપીએમસીમાં એગ્રીકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટક્ચરનો વિકાસ કરવાનો છે, તે પ્રમાણે 22 હજાર ગ્રામીણ હાટને એગ્રીકલ્ચર માર્કેટનાં રૂપમાં બદલવાનું અને તેને ઇલેક્ટ્રોનિક રીતે ઇ-નામથી જોડવાની કવાયત કરાઇ જેથી તેના કારણે નાના ખેડુતો પણ પોતાની ઉપજ સીધા જ વ્યાપારીને વેંચી શકે

  અત્રે ઉલ્લેખનિય છે કે નવા બજારોની એક ખાસ વિશેષતા એ છે કે અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓનાં(APMC) નિયંત્રણથી મુક્ત છે.

જો કે બે વર્ષમાં આ બે હજાર કરોડ રૂપિયાનાં ફંડની માત્ર 0.5 ટકા રકમનો જ ઉપયોગ થઇ શક્યો. ફાળવાયેલી 10.45 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ 22 હજાર બજારોમાંથી 376ને જ વિકસિત કરવામાં ખર્ચ કરાયો છે, જો કે આ બજારોમાં કોઇ પણ સુવિધા હજુ સુધી ઉપયોગમાં લઇ શકાઇ નથી.

(11:13 pm IST)