મુખ્ય સમાચાર
News of Monday, 27th January 2020

વડિલો-વિધવાઓ-વિકલાંગોનું પેન્‍શન વધારવા તૈયારી

સરકાર સામાજીક સહાયતા કાર્યક્રમમાં મોટાપાયે ફેરફાર કરવા વિચારે છે : ૮૦ વર્ષથી વધુના વડિલોનું પેન્‍શન પ૦૦થી વધારી ૧૦૦૦ તથા ૭૯ વર્ષ સુધીનાનું પેન્‍શન ર૦૦થી વધારી પ૦૦ થશે

નવી દિલ્‍હી તા. ર૭ : સરકાર સામાજીક સહાયતા કાર્યક્રમમાં મોટા પાયે ફેરફાર કરવા અંગે કામ કરી રહી છે જેનાથી સીનીયર સીટીઝન, વિધવાઓ અને વિકલાંગોના પેન્‍શન વધી શકે છે ૮૦ વર્ષથી વધુ વયના બુઝર્ગોનું માસિક પેન્‍શન પ૦૦ રૂપિયાથી વધીને ૧૦૦૦ રૂપિયા અને ૭૯ વર્ષ સુધીના વૃધ્‍ધોનું પેન્‍શન હાલના ર૦૦ થી વધીને પ૦૦ થઇ શકે છે.

એક સીનીયર સરકારી અધિકારીએ જણાવ્‍યા અનુસાર, ગ્રામીણ વિકાસ મંત્રાલયના નેશનલ સોશ્‍યલ આસીસ્‍ટન્‍સ પ્રોગ્રાામ (એનએસએપી) માં પ્રસ્‍તાવિત ફેરફાર દ્વારા પેન્‍શનને મોંઘવારી સાથે જોડવામાં આવશે. લાભાર્થીઓની ઓળખ માટે સામાજીક, આર્થિક અને જાતિગત વસ્‍તી ગણત્રી (એસઇસીસી) નો ઉપયોગ કરાશે. તેમણે કહયું ‘અમે યોજનામાં ધડમુળથી પરિવર્તન કરવા માગીએ છીએ. પેન્‍શનની રકમ વધારવા, લાભાર્થીઓની ઓળખ માટે એસઇસીસીના ડેરાની મદદ લેવા અને આ યોજનાઓ હેઠળ ૧૦૦ ડીબીટી ટ્રાન્‍સફર અપનાવવાના પ્રસ્‍તાવો પર વિચારણા થઇ રહી છે.' એસઇસીસી લીંકેજ થી હાલની યાદીમાં બે કરોડથી વધારે લાભાર્થીઓ ઉમેરાશે અને તેના કારણે સરકારી ખજાનામાંથી થનાર ખર્ચ લગભગ બમણો થઇ જશે.

મંત્રાલય સામાજીક સુરક્ષા માટે એન. એસ. એ. પી. ની ઘણી યોજનાઓ હેઠળ ૩.૧ કરોડ લાભાર્થીઓ ઉપર ૯૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. અત્‍યારે લાભાર્થીઓની ઓળખ સુરેશ તેંડુલકર કમીટી દ્વારા નકકી કરાયેલ ગરીબી રેખા મુજબ કરવામાં આવે છે. સંપુર્ણપણે કેન્‍દ્ર સરકારના ફંડ દ્વારા ચાલતા એનએસએપી કાર્યક્રમમાં વડીલો માટે ચાર પેન્‍શન અને અક્ષમતા સહાયતા યોજનાઓ સામેલ છે. તેમાં ઇન્‍દીરા ગાંધી રાષ્‍ટ્રીય વૃધ્‍ધાવસ્‍થા પેન્‍શન યોજના (IGNAPS) સામેલ છે. જેમાં ગરીબી રેખાથી નીચે (બીપીએલ) ના ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ વયના લોકોને ૭૯ વર્ષ  વય સુધી દર મહિને ર૦૦ અને ત્‍યાર પછી પ૦૦ રૂપિયા માસિક પેન્‍શન અપાય છે. ઇંદીરા ગાંધી રાષ્‍ટ્રીય વિધવા પેન્‍શન યોજના (IGNWPS ) માં ગરીબી રેખાથી નીચેની ૪૦ થી પ૯ વર્ષની વિધવાઓને માસિક ર૦૦ રૂપિયા પેન્‍શન મળે છે. ઇંદીરા ગાંધી રાષ્‍ટ્રીય વિકલાંગતા પેન્‍શન યોજના (IGNWPS) હેઠળ ગરીબી રેખાથી નીચેના ૧૮ થી પ૯ વર્ષના વિકલાંકને માસિક ર૦૦ રૂપિયાનું પેન્‍શન આપવામાં આવે છે. આ ઉપરાંત રાષ્‍ટ્રીય પરિવાર કલ્‍યાણ યોજના (NFBS) માં ગરીબી રેખાથી નીચેના પરિવારમાં ૧૮ થી ૬૪ વર્ષના મુખ્‍ય કમાઉ સભ્‍યનું મોત થાય તો પરિવારને એક સાથે ૧૦,૦૦૦ રૂપિયાની સહાયતા અપાય છે.

(11:07 am IST)