મુખ્ય સમાચાર
News of Saturday, 27th January 2018

કાબુલ : વિસ્ફોટકોથી ભરેલી એમ્બ્યુલન્સમાં પ્રચંડ વિસ્ફોટ : 95 થી વધુના કમકમાટીભર્યા મોત : ૧૫૦થી વધુ ઇજાગ્રસ્ત : આંતકવાદી હુમલાની જવાબદારી લેતું તાલિબાન

સ્થાનિક પોલીસ ચેકપોસ્ટ પાસેથી એક એમ્બ્યુલન્સ પસાર થઇ હતી ત્યારે થયો હતો બોંબ વિસ્ફોટ

કાબુલ,તા. ૨૭:  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે થયેલા એક પ્રચંડ એમ્બ્યુલન્સ બોંબ વિસ્ફોટમાં ૯૫થી વધુ લોકોના મોત નીપજયા હતા, જયારે ૧૫૦થી વધુ લોકોને ઇજા થઇ હતી. કાબુલમાં વધુ એક બોંબ વિસ્ફોટને પગલે સમગ્ર રાજધાનીમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક પોલીસ ચેકપોસ્ટ પાસેથી એક એમ્બ્યુલન્સ પસાર થઇ હતી ત્યારે આ ભયંકર બોંબ વિસ્ફોટ થયો હતો, જેને પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠયો હતો અને પળવારમાં જ ચોતરફ તારાહી અને તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રચંડ બોંબ ધડાકામાં ઓછામાં ઓછા ૯૫થી વધુ લોકોના મોત નીપજયા હતા. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ સૌથી વધુ કપરી કામગીરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બનાવવાની છે.

         વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો સર્જનાર આ પ્રચંડ બોંબ વિસ્ફોટની જવાબદારી તાલિબાને લીધી છે. હજુ ગયા સપ્તાહે જ તાલિબાને કાબુલની હોટલ ઇન્ટરકોન્ટીનેન્ટલ નજીક આંતકવાદી હુમલો કર્યો હતો, જેમાં ૨૦થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજયા હતા. તે પછીનો આ સૌથી મોટો આંતકવાદી હુમલો છે કે જેમાં ૪૦થી વધુ લોકો અકાળે મોતને ભેટયા હતા. પ્રચંડ બોંબ વિસ્ફોટને પગલે સમગ્ર વિસ્તાર સહિત રાજધાનીમાં લોકોમાં ભય અને દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ કરી દેવાઇ હતી અને તમામ સુરક્ષા જવાનોને સ્ટેન્ડ ટુ પર મૂકાયા હતા. જે જગ્યાએ આ પ્રચંડ બોંબ વિસ્ફોટ થયો તે વિસ્તારમાં અનેક સરકારી ઇમારતો અને ઘણા દેશોના દૂતાવાસ આવેલા છે. જો કે, આ બોંબ વિસ્ફોટને પગલે ફરી એકવાર કાબુલમાં ડર અને ભયનો માહોલ છવાઇ ગયો હતો. આંતરિક સુરક્ષા મામલાના મંત્રાલયના ડેપ્યુટી સ્પોક્સમેન નસરત રહીમીએ જણાવ્યું હતું કે, આત્મઘાતી હમલાવરે ચેકપોઇન્ટસને પાર કરવા માટે એક એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. પહેલી ચેકપોસ્ટ તેણે એવું કહીને પાર કરી કે, તે દર્દીને જૈમુરિએટ હોસ્પિટલ લઇ જઇ રહ્યો છે પરંતુ બીજી ચેકપોસ્ટ પર તે ઓળખી લેવાતાં તેણે વિસ્ફોટકોથી ભરેલી એમ્બ્યુલન્સ ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બે કિલોમીટર સુધીની ઇમારતોના કાચ તૂટી ગયા હતા અને નજીકના ઇમારતોના ફુરચેફુરચા ઉડી ગયા હતા. પાર્લામેન્ટ મેમ્બર મીરવાઇસ યાસિની બ્લાસ્ટ સમયે ઘટનાસ્થળે હાજર હતા, તેમણે જણાવ્યું કે, એમ્બ્યુલન્સ હાઇપીસ કાઉન્સીલ અને અન્ય ઘણી ફોરેન એમ્બેસીઓની નજીક આવેલા ચેકપોઇન્ટ પાસે પહોંચી અને અચાનક તેમાં વિસ્ફોટ થયો. જેના કારણે ચારેબાજુ, લાશો અને ઇજાગ્રસ્તોના દ્રશ્યો છવાઇ ગયા. દરમ્યાન નજીકના વિસ્તારમાં ટ્રોમા હોસ્પિટલ ચલાવતા ઇટાલિયન એઇડ ગ્રુપ ઇમરજન્સીના કો-ઓર્ડિનેટર દીજાન પેનિકે જણાવ્યું કે આ એક હત્યાકાંડ છે. ટવીટર પરના એક મેસેજમાં આ ઇટાલિયન ગ્રુપે જણાવ્યું કે, આશરે પચાસથી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ કાબુલમાં ભારતીય દૂતાવાસ ઇન્ડિયા હાઉસની પાસે પણ એક પ્રચંડ વિસ્ફોટ કરાયો હતો. જો કે, આ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ નોંધાઇ ન હતી પરંતુ રાજકીય દ્રષ્ટિકોણથી તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કારણ કે, કાબુલમાં તૈનાત ભારતીય રાજદૂત મનપ્રીત વોહરા સિવાય ભારતીય દૂતાવાસના અન્ય અધિકારીઓ પણ આ પરિસરમાં રહે છે. કાબુલના કૂટનીતિક ક્ષેત્રમાં સ્થિત આ ભારતીય દૂતાવાસની અંદર બનેલા ટેનિસ કોર્ટમાં એક રોકેટ પડયું હતું અને તેના દ્વારા વિસ્ફોટ કરાયો હતો.

(11:51 pm IST)