મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની રાજકીય કારકિર્દીની સંક્ષિપ્ત ઝલક...

બહોળો રાજકીય અનુભવ...આજે પણ કલીનચીટની છબી ધરાવતા નિતીનભાઈ

વાપી :. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લેવા જઈ રહેલ નિતીનભાઈ પટેલની ઝળહળતી કારકિર્દીની સંક્ષિપ્તમાં એક ઝલક જોઈએ તો...

શ્રી નિતીનભાઈ પટેલનો જન્મ ૨૨મી જૂન ૧૯૫૬ના રોજ વીસનગર ખાતે થયો હતો. પ્રાથમિક શિક્ષણ કડીની સર્વા વિશ્વ વિદ્યાલયમાંથી લીધા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોંગ્રેસના સ્નાતક તરીકે ડીગ્રી મેળવી.

પુત્ર લક્ષણ પારણામાં તેમ કોલેજ કાળથી જ નિતીનભાઈમાં નેતાગીરીના લક્ષણો જણાતા હતા. મ્યુનિસિપાલીટીના કોર્પોરેટર તરીકે કારકિર્દી શરૂ કરી અને ખૂબ જ ટૂંકાગાળામાં ૧૯૯૦માં પહેલી વખત ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને ભવ્ય જીત મેળવી.

ગુજરાત સરકારમાં આરોગ્ય, ગ્રામીણ ડેવલોપમેન્ટ, એગ્રીકલ્ચર, મહેસુલ અને નાણામંત્રી સહિતના મહત્વના ખાતાઓની જવાબદારી સુપેરે સંભાળી.

નિતીનભાઈ પ્રસિદ્ધિમાં ઓછું માને છે પડદા પાછળ રહી કામ કરવામાં વધુ માને છે. આશરે છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલ નિતીનભાઈ રાજ્યના વિવિધ મહત્વના ખાતાઓ સંભાળી ચૂકયા છે. એટલું જ નહિ આશરે છેલ્લા સવા વર્ષથી નાયબ મુખ્યમંત્રી પદે પણ કામ કરી ચૂકયા છે. આમ છતા આક્ષેપની કોઈ આંગળી એમના ઉપર ઉઠી નથી, એ જ એમની સ્વચ્છ છબીની સાબિતી છે.

૨૦૧૨ના વર્ષમાં નિતીનભાઈએ પોતાનું મત વિસ્તાર બદલી મહેસાણા બેઠક પરથી ઝંપલાવી ભવ્ય જીત પણ મેળવી હતી અને ફરીથી વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં નિતીનભાઈએ મહેસાણાની બેઠક ઉપરથી જ ઝંપલાવ્યું હતું અને જે ખરેખર જે એક પડકાર હતો... તેમને હરાવવા જાણે પાટીદાર જ મેદાનમાં ઉતર્યા હતા... આમ છતા નીતિનભાઇ આ ચૂંટણી જંગ જીત્યા એજ એમની લોકપ્રિયતાની સાબિત અને પોતાના વિસ્તારમાં કરેલ વિકાસના કાર્યોની નિશાની બતાવે છે.

આજે ફરી એકવાર નિતીનભાઇ નાયબ મુખ્યમંત્રી પદે બિરાજી રહ્યા ત્યારે ફરી એકવાર તેમને હાર્દિક શુભેચ્છાઓ...

(11:45 am IST)