મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

સર્જીકલ સ્ટ્રાઇક-ર ? LOC પાર કરી ૩ પાક. સૈનિકો ઠાર

રંગ છે ભારતીય જવાનોને...શહાદતનો ભારતીય સૈન્યએ લીધો ૪૮ કલાકમાં બદલોઃ પાકિસ્તાનમાં ઘુસી કરી ફરી જડબાતોડ કાર્યવાહી : રાવલાકોટ સેકટરમાં ૩ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારાયાઃ ઓપરેશન પાર પાડી ટુકડી પરત પણ ફરી ગઇ

નવી દિલ્હી તા.૨૬ : જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની કાયરતાપુર્વકની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ ૪૮ કલાકની અંદર જ પોતાના ચાર સૈનિકોની શહાદતનો બદલો પાકિસ્તાન પાસેથી લીધો છે. ભારતીય સેનાના જવાનોએ એલઓસી પાર કરી પાકિસ્તાનના ૩ સૈનિકોને ઠાર માર્યા હતા. ભારતીય જવાનોએ પુંચ પાસે રાવલાકોટ સેકટરમાં આ કાર્યવાહીને અંજામ આપ્યુ હતુ. જેને સર્જીકલ-ર પણ કહી શકાય.

પાકિસ્તાન મીડીયાના કહેવા મુજબ ફાયરીંગ એક પાકિસ્તાની સૈનિક ઘાયલ પણ થયો છે આ ઓપરેશનમાં ભારતીય સેનાએ એલઓસીને પાર કરી હતી, બોર્ડરની પેલે પાર ગયા અને ત્રણ પાકિસ્તાની સેનાના જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સેનાએ એલઓસી પાર જઇ આઇડી પ્લાન્ટ કર્યા, એ દરમિયાન ૩ પાકિસ્તાની સૈનિકો સાથે ક્રોસ ફાયરીંગ પણ થયુ હતુ.

મળેલી માહિતી મુજબ સેનાની એક ઘાતક ટુકડીએ પુંચની બીજી તરફ પીઓકેમાં આ ઓપરેશનને અંજામ આપ્યુ હતુ. ટાર્ગેટ નક્કી કર્યા બાદ દિવસમાં લગભગ ર વાગ્યે આ ટુકડીએ આ ઓપરેશનને અંજામ આપ્યુ હતુ. ભારતીય સેનાની ઘાતક ટુકડીએ લગભગ ૩ કલાકની કાર્યવાહીમાં ૩ પાક સૈનિકોને ઠાર કર્યા હતા જયારે એકને ઇજા પહોંચાડી હતી. ભારતીય સેનાએ રવિવારે આ ઓપરેશનમાં નિયંત્રણ રેખાની બીજી તરફ પાક કબજાવાળા કાશ્મીરમાં બલુચ રેજીમેન્ટના જવાનોને નિશાના ઉપર લીધા હતા. સેનાના સુત્રોના કહેવા મુજબ આ સર્જીકલ સ્ટ્રાઇક કહી ન શકાય. આ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપતી રેડ હતી. સૈન્ય જરૂર પડયે સરહદ પર આવા ઓપરેશન કરતી રહે છે.

પાકિસ્તાને તાજેતરમાં નાપાક ગોળીબાર કરી ભારતીય સેનાના એક મેજર અને ત્રણ જવાનોને શહીદ કર્યા હતા. પાકની આ કાર્યવાહીના ૪૮ કલાકમાં ભારતીય જવાનોએ બદલો લીધો હતો. ૧પ મહિના બાદ સીમાપાર જઇ પાક.ને જવાબ અપાયો છે. ર૦૧૬માં ર૮ અને ર૯મી સપ્ટેમ્બરે રાત્રે ભારતીય સૈન્યએ એલઓસી પાર કરી ૭ ત્રાસવાદી શિબિરો ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. આ હુમલો ઉરી કાંડના બદલામાં લેવાયો હતો.

હવે ફરી એક વખત ભારતીય સેનાએ પોતાના જવાનોની શહાદતનો બદલો લીધો છે પરંતુ આ વખતે ભારતીય જવાનોએ તુરત બદલો લીધો છે. (૩-૫)

(11:41 am IST)