મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

મહાશપથ ગ્રહણ : ભાજપ-એનડીએનું શકિત પ્રદર્શન

ટીમ રૂપાણીઃ ૨૦ સભ્‍યોનું મંત્રી મંડળ

મોદી, અમિતભાઈ, એલ.કે. અડવાણી, રાજનાથસિંહ, અરૂણ જેટલી, ગડકરી, જે.પી.નડ્ડા, અનંતકુમાર, નીતિશકુમાર, વસુંધરા રાજે, યોગી આદિત્‍યનાથ, રમણસિંહ, ફડણવીસ, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, આનંદીબેન પટેલ વગેરેની હાજરીમાં નવી સરકાર સતારૂઢઃ સાંજે ખાતા ફાળવણી : મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી ઉપરાંત ૮ કેબીનેટ મંત્રીઓ અને ૧૦ રાજ્‍ય કક્ષાના મંત્રીઓઃ પ્રથમ વખત ચૂંટાયેલા કોઈને મંત્રી પદ નહિ

ગાંધીનગર, તા. ૨૬ :. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સરકારની શપથવિધિ આજે હેલીપેડ ગ્રાઉન્‍ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઈ શાહ ઉપરાંત વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને કેન્‍દ્રીય મંત્રીઓ સહિત ટોચના ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો વગેરેની હાજરીમાં યોજાયેલ. જેમાં મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલ ઉપરાંત ૮ કેબીનેટ મંત્રીઓ અને ૧૦ રાજ્‍ય કક્ષાના મંત્રીઓ સહિત કુલ ૨૦ મંત્રીઓના મંડળની શપથવિધિ થઈ હતી. રાજ્‍યપાલ શ્રી ઓ.પી. કોહલી શપથ લેવડાવ્‍યા હતા.

 પ્રથમ વખત ચૂંટાયેલા એક પણ સભ્‍યને મંત્રી પદ અપાયુ નથી. કુલ ૨૭ સભ્‍યોના મંત્રી મંડળની ક્ષમતા સામે ૨૦ સભ્‍યોનું મંત્રી મંડળ બનાવી ૭ સભ્‍યોની જગ્‍યા રાખવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અથવા પછી વિસ્‍તરણ કરવામાં આવે તેવી સંભાવના છે. નવા મંત્રીઓને આજે સાંજે કેબીનેટ બેઠક બાદ ખાતા ફાળવણી કરવામાં આવશે.

મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી ઉપરાંત જે ૮ સભ્‍યોને કેબીનેટ મંત્રી તરીકે સ્‍થાન અપાયુ છે તેમા ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ગણપત વસાવા, જયેશ રાદડિયા, દિલીપકુમાર ઠાકોર અને ઈશ્વરભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્‍યારે પ્રદિપસિંહ જાડેજા, પરબતભાઈ પટેલ, જયદ્રથસિંહ પરમાર, રમણભાઈ પાટકર, પરસોતમ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, વાસણભાઈ આહિર, કિશોર(કુમાર) કાનાણી, બચુભાઈ ખાબડ અને શ્રીમતિ વિભાવરીબેન દવે તે ૧૦ સભ્‍યોને રાજ્‍ય કક્ષાના મંત્રી બનાવાયા છે.

(3:23 pm IST)