મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

સેન્ટ્રલ હોલના કાર્યક્રમમાં ૧૪ વિપક્ષો ગેરહાજર રહ્યા

બંધારણ દિવસ પર દિલ્હીમાં રાજકારણ ગરમાયું : કોંગ્રેસ બહિષ્કારનુ નેતૃત્વ કરી રહી છે અને આ ડોકટર આંબેડકરનુ અપમાન હોવાનો ભાજપનો આરોપ

નવી દિલ્હી, તા.૨૬ : આજે સંવિધાન દિવસ પર પણ દિલ્હીમાં પૂરજોશમાં રાજકારણ રમાઈ રહ્યુ છે. સંસદના સેન્ટ્રલ હોલમાં આજે આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનો કોંગ્રેસ સહિતની ૧૪ વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કર્યો હતો.જેના પર ભાજપે નિશાન સાધ્યુ છે.

ભાજપે કહ્યુ છે કે, કોંગ્રેસ, ડાબેરીઓ, ટીએમસી,આરજેડી, શિવસેના, એનસીપી, સમાજવાદી પાર્ટી, સહિતના ૧૪ પક્ષોએ સંવિધાન દિવસ સમારોહ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.નહેરુ જયંતિ કાર્યક્રમમાં હંગામો કરનાર કોંગ્રેસ બહિષ્કારનુ નેતૃત્વ કરી રહી છે અને આ ડોકટર આંબેડકરનુ અપમાન છે.

કાર્યક્રમનો બહિષ્કાર કરવા બદલ આ પહેલા કોંગ્રેસે કહ્યુ હતુ કે, પીએમ મોદીના સમયગાળામાં શરુ કરાયેલા સમારોહનો અમે બહિષ્કાર કરી રહ્યા છે.

બીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રી અર્જુન મેઘવાલે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અને ૧૪ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સંવિધાન દિવસના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની હરકત સંવિધાનનુ અપમાન છે.આ વાતથી સાબિત થાય છે કે, કોંગ્રેસ નહેરુ પરિવારના જ નેતાઓનુ સન્માન કરી શકે છે અને ડો.આંબેડકર સહિતના બીજા નેતાઓનુ નહીં.

(7:25 pm IST)