મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

MSPના ઉકેલ વગર દિલ્હી બોર્ડર છોડવા ખેડૂતોનો ઈન્કાર

ખેડૂતો બોર્ડર પરથી ખસવા તૈયાર નથી : ૨૯ નવેમ્બરે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ યોજવા ખેડૂતો હજુ પણ મક્કમ, એમએસપી માટે કાયદો બનાવવા ઉગ્ર માગ

નવી દિલ્હી, તા.૨૬ : પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી દીધી છે પણ હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે, ખેડૂતો દિલ્હી બોર્ડર પરથી ઉઠવા માટે તૈયાર નથી.

આજે ખેડૂત આંદોલનને એક વર્ષ થયુ છે ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ અમારા માટે હંમેશા મુદ્દો રહ્યો છે અને તેના ઉકેલ વગર અમે દિલ્હી બોર્ડર છોડવા માટે તૈયાર નથી.

ટિકૈતે કહ્યુ હતુ કે, ૨૯ નવેમ્બરે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ યોજાઈને જ રહેશે.કેન્દ્ર સાથે અત્યાર સુધી જેટલી પણ વખત વાતચીત થઈ છે તેમાં એમએસપીના મુદ્દે પણ ચર્ચા થયેલી છે.સરકારે એમએસપી માટે પણ કાયદો બનાવવો જ પડશે.ત્યાં સુધી અમે પાછળ હટવાના નથી.અમે યુપીમાં જઈને ભાજપને હરાવવા માટે અપીલ કરવાના છે.ચૂંટણી પહેલા સરકાર આ મુદ્દાનો ઉકેલ લાવે તે તેના માટે સારુ છે.

ટિકૈતની જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે, દિલ્હીની બોર્ડર પર રસ્તો રોકીને બેઠેલા ખેડૂતો ઉઠવાના નથી અને લાખો લોકોએ આગામી દિવસોમાં પણ હાલાકી વેઠતા રહેશે.

(7:20 pm IST)