મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

જયારે મુંબઇ પર હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા હતા, ભુલીશું નહીં : અમિત માલવીયા

મુંબઇ હુમલાની ૧૩ મી વરસી પર રાહુલ ગાંધીએ પણ ટિવટ કરીને શહીદોને નમન કર્યુ

નવી દિલ્હી,તા.૨૬: ભાજપના આઈટી સેલ ઈન્ચાર્જ અમિત માલવીયે ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાની ૧૩મી વરસી નિમિત્તે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે સમાચાર પત્રની એક કિલપ શેર કરીને ટ્વિટ કરી હતી.

ટ્વિટમાં લખ્યું હતું કે, જ્યારે ૨૬/૧૧ના રોજ મુંબઈ પર હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા હતા. ભૂલીશું નહીં. આ પેપરની એ જ કિલપિંગ છે જે ૨૬/૧૧ના હુમલાની વરસી પર દર વર્ષે સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવે છે. આ રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં હુમલા બાદ તરત જ રાહુલ ગાંધી દિલ્હીની એક પાર્ટીમાં જોવા મળ્યા હતા.

મુંબઈ ખાતે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ભારે મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં ૧૫ દેશોના ૧૬૬ લોકોના મોત થયા હતા અને ૩૦૦ કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ભારતીય ઈતિહાસનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.

વાયરલ સમાચાર કિલપમાં લખેલું છે કે, તે સમયે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની માતાની આંખોમાંથી આંસુ પણ નહોતા સુકાયા અને રાહુલ ગાંધી દિલ્હીના બાહ્ય વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસ ખાતે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે રાહુલ ગાંધી પોતાના મિત્ર સમીર શર્માની સંગીત સેરેમનીમાં સામેલ થયા હતા.

(3:50 pm IST)