મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

પોર્ન ફિલ્મ કેસ મામલે રાજ કુન્દ્રાને ઝટકો

બોમ્બે હાઈકોર્ટે અંતરિમ જામીન અરજી ફગાવી

મુંબઇ, તા.૨૬: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કથિત રીતે પ્રદર્શિત કરવા મામલે વધુ એક ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે પોર્ન ફિલ્મ મામલે રાજની અતંરિમ જામીન અરજી ફગાવી દીધી છે. ગત દિવસોમાં કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરતાં રાજે કહ્યું હતું કે તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલા વીડિયો કામુક છે પરંતુ અડલ્ટ કન્ટેન્ટ વાળા નથી.

જોકે, કોર્ટે રાજની આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેની અરજી ફગાવી દીધી હતી. રાજ કુન્દ્રા ઉપરાંત અભિનેત્રી પૂનમ પાંડે અને શર્લિન ચોપરા સહિત કુલ ૬ લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. અગાઉ આ કેસમાં રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી લગભગ ૨ મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલ જામીન પર બહાર છે.

અરજીને ફગાવી દેતા જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રેએ કોઈપણ કાનૂની કાર્યવાહી ટાળવા માટે આ તમામ આરોપીઓની વચગાળાની સુરક્ષાને ચાર અઠવાડિયા સુધી લંબાવી છે. મુંબઈ પોલીસના સાયબર સેલમાં નોંધાયેલા પોર્નોગ્રાફિક ફિલ્મ રેકેટના વિવાદમાં ફસાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાએ દાખલ કરેલી અરજીમાં કોર્ટમાં કહ્યું હતું કે આઈટી એકટની કલમ ૬૭, અને ૬૭ (એ) આ કિસ્સામાં લાગુ પડતું નથી.

અગાઉ, આ કેસમાં રાજ કુન્દ્રાનું પ્રતિનિધિત્વ કરતા તેમના વકીલો પ્રશાંત પી પાટીલ અને સ્વપ્નિલ અંબુરેએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે રાજ કુન્દ્રા કોઈપણ રીતે સામગ્રી બનાવવા, પ્રકાશન અથવા વીડિયોના પ્રસારણ સાથે સંકળાયેલા નથી. તે કલાકારો દ્વારા શૂટ કરવામાં આવ્યું હતું, જેના માટે કલાકારો સંમત થયા હતા. તેમજ શર્લિન ચોપરાનો વિડિયો કંપની છોડ્યા બાદ જ અપલોડ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, રાજે એમ પણ કહ્યું કે શર્લિન અને પૂનમે પૈસા કમાવવાના ઈરાદાથી ઈરોટિક વીડિયો બનાવ્યા હતા.

(2:46 pm IST)