મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજયુએટ આ મહિલા અંગ્રેજીમાં ભીખ માગે છે

વારાણસીના ઘાટ પર રહેતી અને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી એક મહિલાનો ભીખ માગતો વિડિયો વાઇરલ થયો છે

વારાણસી,તા. ૨૬: વારાણસીના ઘાટ પર રહેતી અને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી એક મહિલાનો ભીખ માગતો વિડિયો વાઇરલ થયો છે. સ્વાતિ નામની આ મહિલા અસ્સી ઘાટ પર ભીખ માગી રહી છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક વિઘાર્થીએ ફેસબુક પર આ વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે સ્વાતિ કમ્પ્યુટર સાયન્સ સાથે ગ્રેજયુએટ થયેલી છે. તેનું અંગ્રેજી સારું છે. તે દક્ષિણ ભારતની વતની છે. બાળકને જન્મ આપ્યા પછી તેના શરીરનો જમણો ભાગ લકવો મારી ગયો છે. છેલ્લાં ત્રણ વરસથી તે અહીં વારાણસીના ઘાટ પર રહે છે. સ્વાતિ આના કરતાં સારા જીવનની અધિકારી છે. તેને આર્થિક મદદની નહીં, આર્થિક સ્વનિર્ભરતા માટે નોકરીની જરૂર છે. પ્લીઝ તેને નોકરી અપાવવામાં મદદ કરો.

જોતજોતામાં આ વિડિયો વાઇરલ થયો અને અત્યાર સુધી ૫૮,૦૦૦થી વધુ વાર જોવાઈ ચૂકયો છે. નેટિઝન્સના હૃદય આ વિડિયો જોઈને ભરાઈ ગયાં હતાં અને સૌએ વિડિયો શેર કરવા સાથે સ્વાતિને નોકરી અપાવવા માટે અપીલ કરી હતી.

(9:53 am IST)