મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

લીબિયાના દિવંગત સરમુખત્યાર ગદ્દાફીના પુત્રને રાષ્ટ્રપતિ પદ માટે ગેરલાયક ઠેરવાયો

ચૂંટણી સંસ્થાએ સરમુખત્યાર મોઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીને આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવ્યા

લિબિયાની ટોચની ચૂંટણી સંસ્થાએ કહ્યું છે કે દેશના દિવંગત સરમુખત્યાર મોઅમ્મર ગદ્દાફીના પુત્ર અને તેમના એક સમયના અનુગામી સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીને આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. બુધવારે દેશની ઉચ્ચ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી અયોગ્ય ઉમેદવારોની યાદી અનુસાર, સૈફ અલ-ઈસ્લામ ગદ્દાફી તેની અગાઉની દોષિતતાને કારણે ચૂંટણી લડવા માટે લાયક નથી. તે આગામી દિવસોમાં સમિતિના નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી શકે છે.

સૈફ અલ-ઈસ્લામને 2015 માં રાજધાની ત્રિપોલીની એક અદાલતે તેના પિતાને પદ છોડવાની માંગ કરતા વિરોધીઓ સામે હિંસાનો ઉપયોગ કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, લિબિયામાં હરીફ સત્તાવાળાઓએ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. સૈફ અલ-ઈસ્લામને તેના પિતા વિરુદ્ધ 2011ના વિદ્રોહને લગતા માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

(12:59 am IST)