મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

આફ્રિકામાં નવા વેરિયન્ટને પગલે સરકાર એલર્ટ : વિદેશથી આવતા પ્રવાસીઓની કડક ચકાસણી કરવા રાજ્યોને આદેશ

કેન્દ્ર સરકારે આફ્રિકા, હોંગકોંગ અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓની કડક ચકાસણી કરવા અને વધારે સતર્ક રહેવા આપી ચેતવણી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આફ્રિકા, હોંગકોંગ અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓની કડક ચકાસણી કરવાનો તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધારે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. 

રાજેશ ભુષણે રાજ્યોને કહ્યું કે વિદેશથી આવનાર લોકોનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે અને જો કોઈ પ્રવાસી પોઝિટીવ નીકળે તો જિનોમ સિકન્વન્સિંગ માટે તેનું સેમ્પલ INSACOGને મોકલી આપવામાં આવે. 

આરોગ્ય મંત્રાલયે સંબંધિત વિભાગોને નવા પ્રકારો અંગે કડક સૂચનાઓ જારી કરી છે કે વિદેશથી આવતા લોકોની ત્રિપાંખિયા દેખરેખ જરૂરી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય મુસાફરો અને તેમના સંપર્કમાં રહેલા લોકોની સ્ક્રીનિંગ અને પરીક્ષણ કડક રીતે થવું જોઈએ. આવા સકારાત્મક દર્દીઓના આરટીપીસીઆર અહેવાલો નિયમિત પણે જીનોમ સિક્વન્સિંગ લેબ આઇએનએસએસીઓજીને મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હવે એનસીડીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોત્સ્વાના (3 કેસ), દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોંગકોંગ (1 કેસ)માં બી.1.1529 વેરિએન્ટના અનેક કોવિડ કેસ નોંધાયા છે. 

કેન્દ્ર સરકારે રાજ્યોને વિદેશથી આવનાર તમામ લોકોનું કડક પરીક્ષણ, કોઈ પ્રવાસી કોવિડ પોઝિટીવ નીકળે તો સેમ્પલ મોકલવું, તમામ પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ, અને  તમામ રાજ્યો વધારે એલર્ટ રહે  તેવા આદેશ કર્યા છે

દુનિયા હજુ તો માંડ કોરોનાના કોપમાંથી બહાર આવી છે ત્યાં વળી પાછા માઠા સમાચાર આવ્યાં છે. બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોની આ જાહેરાતથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. દુનિયા હજુ તો માંડ કોરોનાના કોપથી બહાર આવી રહી છે ત્યાં વળી પાછી નવી આફત સર્જાતા હાહાકાર મચ્યો છે.
સાઉથ આફ્રિકાના વાયરોલોજિસ્ટ Tulio de Oliveiraએ જણાવ્યું કે દુર્ભાગ્યે અમે એક નવા વેરિયન્ટની શોધ કરી છે જે સાઉથ આફ્રિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝે જણાવ્યું કે જિનોમિક સિકન્વન્સિંગ પછી B.1.1.529 ના 22 કેસ નોંધાયા છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝના પ્રોફેસર એડ્રીયન પુરેને જણાવ્યું કે ડેટા સીમિત છે છતાં પણ અમારા નિષ્ણાંતો નવા વેરિયન્ટને સમજવા માટે સ્થાપિત સર્વેલન્સ સિસ્ટમ સાથે રાતોરાત કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દુનિયામાં સૌથી પહેલા સાઉથ આફ્રિકાએ Beta variantની શોધ કરી હતી. ચાલુ વર્ષે પણ સાઉથ આફ્રિકામાં સી.1.2 નામના કોવિડના વેરિયન્ટે પણ દેખા દીધી હતી. પરંતુ આ બધામાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલો ડેલ્ટા વેરિયન્ટ ઘણો ઘાતક નીવડ્યો છે. 

(11:56 pm IST)