મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

મહારાષ્ટ્રમાં પહેલી ડિસેમ્બરથી ગ્રામીણ વિસ્તારોમાં ધો-1 થી 4 અને શહેરી વિસ્તારોમાં ધો-1 થી 7 સુધીની શાળાઓ ફરી ખોલવા નિર્ણય

પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સની મંજૂરી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સંમતિથી લેવાયો નિર્ણય

મુંબઈ :  મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધોરણ એકથી સાતમા સુધીની તમામ શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે માર્ચ 2020 થી શાળાઓ બંધ હતી. એટલે કે હવે લગભગ 20 મહિના પછી વિદ્યાર્થીઓ શાળાએ જશે. પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સની લીલી ઝંડી બાદ મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સંમતિથી આ નિર્ણય લીધો છે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે શાળા પ્રશાસન માટે નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 1 ડિસેમ્બરથી ગ્રામીણ વિસ્તારોમાં 1 થી 4 અને શહેરી વિસ્તારોમાં 1 થી 7 સુધીની શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. ગાયકવાડે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે કેબિનેટની બેઠક દરમિયાન આ મામલે નિર્ણય લીધો હતો. દરમિયાન, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે ડિસેમ્બરમાં કોરોના વાયરસ રોગચાળાની ત્રીજી લહેરની અપેક્ષા છે, પરંતુ તેની અસર હળવી રહેશે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજન અને ICU બેડની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 80 ટકા લોકોને રસી આપવામાં આવી છે. હાલમાં ચેપનું સ્તર અને મૃત્યુ દર પણ ઓછો છે. અગાઉ રાજેશ ટોપેએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ મુખ્યમંત્રીના નિર્ણય બાદ તેમના વિદ્યાર્થીઓને શાળાએ મોકલે અને શાળા મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખે

(10:39 pm IST)