મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં મોટી ચૂક

વોટ્સએપ પર લીક થઇ સિકયુરીટીની જાણકારી

નવી દિલ્હી તા. ૨૫ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં કાનપુરમાં મોટી ચૂક થઈ હોવાની જાણકારી સામે આવી છે, WhatsApp પર તેમની સુરક્ષાને લઈને જાણકારીઓ લીક થઈ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે કાનપુરનાં પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે તેમની સુરક્ષામાં ફરીથી મોટી ચૂક થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp પર તેમના બે દિવસનાં આખા પ્લાનની જાણકારી અને સિકયુરિટી ડોકયુટમેન્ટ લીક થઈ ગયા છે, આ મામલે હવે પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે સુરક્ષા વિશે વિસ્તૃત જાણકારી, સુરક્ષા જવાનોની તૈનાતી, વરિષ્ઠ અધિકારીઓ સહિતની જાણકારીઓ લીક થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બાદ કાનપુર પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો અને કાનપુરનાં પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અધિકારી રાહુલ મીઠાંસને આ મામલે તપાસ કરીને રિપોર્ટ આપવાના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર લોકોની ઓળખ કરી આવું કરવા પાછળ શું ધ્યેય હતો તે જાણવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

હિન્દી મીડિયા અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ કફલામાં કયા પોલીસ અધિકારીઓ છે તેવી જાણકારી પણ લીક થઈ ગઈ છે. નોંધનીય છે કે ગઇકાલે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કાનપુરમાં આગમન થયું હતું જયાં રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક થઈ હોય થોડા જ દિવસમાં આ બીજી ઘટના છે, થોડા દિવસ પહેલા જ એક યુવક અને યુવતી કાર લઈને રાષ્ટ્રપતિભવનમાં દાખલ થઈ ગયા હતા અને તે બાદ તેમને ત્યાં જ પકડવામાં આવ્યા હતા.

(3:34 pm IST)