મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

હેમામાલિનીની ઉંમર થઇ ગઇ છે : મારા ગામના રસ્તા કેટરીના કૈફના ગાલ જેવા બનશે

રાજસ્થાનના રાજ્ય મંત્રીની ટિપ્પણી

જયપુર તા. ૨૫ : તાજેતરમાં જ રાજસ્થાનમાં ગ્રામીણ વિકાસ રાજયમંત્રી બનાવવામાં આવેલા રાજેન્દ્ર સિંઘ ગુઢાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેણે અભિનેત્રી અને સાંસદ હેમા માલિની અને કેટરિના કૈફ વિશે અભદ્ર વાતો કહી છે. આને લઈને યુઝર્સે સોશિયલ મીડિયા પર ગુઢા વિરૂદ્ઘ મોરચો ખોલ્યો છે.

રાજયકક્ષાના મંત્રી બન્યા બાદ ગુઢા પ્રથમ વખત તેમના વિધાનસભા ક્ષેત્ર ઉદયપુરવતી પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમને ખરાબ રસ્તા વિશે ફરિયાદ કરી હતી. આ અંગે ગુઢાએ મંચ પરથી જ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર એન કે જોશીને કહ્યું કે મારા ગામના રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવવા જોઈએ. અમર ઉજાલાની ન્યૂઝ વેબસાઇટ પર એક ન્યૂઝ રિપોર્ટમાં આ ટિપ્પણી વિશે લખવામાં આવ્યું હતું.

રાજયમંત્રી રાજેન્દ્ર ગુઢાએ ગ્રામજનોની ફરિયાદ પર તેમના અધિકારી સમક્ષ કહ્યું કે મારા ગામના રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા બનાવવા જોઈએ. થોડી વાર પછી ગુઢાએ હસવાનું બંધ કરી દીધું. પછી તેણે કહ્યું કે ના... હેમા માલિની વૃદ્ઘ થઈ ગઈ છે. પછી સ્ટેજ પરથી જ સભામાં હાજર લોકોને પૂછ્યું કે, આ દિવસોમાં કઈ અભિનેત્રી ફિલ્મોમાં ફેમસ છે? આના પર લોકોએ કેટરિના કૈફનું નામ લીધું. લોકોની વાત સાંભળ્યા પછી ગુઢાએ અધિકારીને કહ્યું, 'તો પછી મારા ગામના રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવી દેવા જોઈએ.'

સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના વિવાદ દરમિયાન રાજેન્દ્ર ગુઢાએ બળવો કર્યો અને BSPના પાંચ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાયા. તેનું ઈનામ આપીને અશોક ગેહલોતે બે દિવસ પહેલા ગુઢાને રાજયના મંત્રી બનાવ્યા હતા. તેમની સાથે BSP છોડીને અન્ય પાંચ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવાની ચર્ચા છે.

૨૦૦૫માં લાલુ યાદવે પહેલીવાર અભિનેત્રી હેમા માલિની વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. લાલુએ કહ્યું હતું કે હવે બિહારના રસ્તા હેમા માલિનીના ગાલ જેવા સુંવાળા થઈ જશે. ૨૦૧૯માં મધ્યપ્રદેશના મંત્રી પીસી શર્માએ પણ આ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મધ્યપ્રદેશના ખરાબ રસ્તાઓને બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયના ગાલ ગણાવતા તેમણે કહ્યું કે અમે તેને હેમા માલિનીના ગાલ જેવો રસ્તો બનાવીશું.

(10:26 am IST)