મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

કોંગ્રેસ ઉપર મમતાની પોલિટિકસ સ્ટ્રાઇક : મેઘાલયમાં કોંગ્રેસના ૧૨MLA ટીએમસીમાં જોડાયા

ભૂતપૂર્વ સીએમ સંગમા સહિત કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો ટીએમસીમાં જોડાયા છે

નવી દિલ્હી,તા. ૨૫: પૂર્વોત્ત્।ર રાજય મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને આ ફટકો તેને બીજા કોઈએ નહીં પણ TMC ચીફ મમતા બેનર્જીએ.આપ્યો છે. મેઘાલયમાં કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો હવે તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) જોડાઈ ગયા છે. જેમાં મેઘાલયના પૂર્વ મુખ્યપ્રધાન મુકુલ સંગમા સહીતના ધારાસભ્યોએ કોંગ્રેસને રામરામ કરીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.

મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાને કોંગ્રેસ પાર્ટીના મેઘાલયમાં દિગ્ગજ નેતા માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસમાંથી નેતાઓનો ટીએમસીમાં જોડાઈ જવાનો સિલસિલો ચાલુ છે. આના એક દિવસ પહેલા જ કીર્તિ આઝાદ અને અશોક તંવર પણ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા હતા.

શિલોંગમાં એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યોના જૂથે, ટીએમસીના ધારાસભ્યોની યાદી સ્પીકર એમ લિંગદોહને સુપરત કરી છે અને સ્પીકર એમ લિંગદોહને તેમના નિર્ણય વિશે જાણ કરી છે.

મેઘાલયમાં કોંગ્રેસ પાસે કુલ ધારાસભ્યોમાંથી ૧૨ ધારાસભ્યો ટીએમસીમાં ગયા પછી, ટીએમસી હવે ચૂંટણી લડ્યા વિના મેઘાલયમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ માટે આ મોટો રાજકીય આંચકો છે. પક્ષપલટા વિરોધી કાયદો આ તમામ ધારાસભ્યોને પણ લાગુ નહીં પડે, કારણ કે પાર્ટીના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો એકસાથે ટીએમસીમાં જોડાયા છે. કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા અંગે મુકુલ સંગમા આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઔપચારિક જાહેરાત કરી શકે છે, જેઓ થોડા દિવસો પહેલા કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે વિન્સેન્ટ એચ. પાલાની નિમણૂકથી નારાજ હતા.

મેઘાલય વિધાનસભામાં કુલ ૬૦ બેઠકો છે અને ૨૦૧૮ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૧ બેઠકો જીતી હતી. જયારે NPP એટલે કે નેશનલ પીપલ્સ પાર્ટીને ૨૦ બેઠકો મળી હતી. યુડીએફને ૬, અપક્ષોને ૩ અને ભાજપને ૨ બેઠકો મળી હતી. બાદમાં એનપીપીએ સરકાર બનાવી જેને ભાજપ દ્વારા ટેકો મળ્યો હતો અને ભાજપ પણ સરકારમાં જોડાઈ છે.

(10:01 am IST)