મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

સોના ચાંદીમાં ઉંચા સ્તરેથી થયેલ મોટા ઘટાડાને પગલે બુલિયન વેપારીઓ-જવેલર્સને વેચાણ વધવાની આશા

થેક્સગીવિંગ-ડે હોવાથી અમેરિકામાં બુલિયન બજાર બંધ રહ્યા હતા

નવી દિલ્હી : વૈશ્વિક બજારમાં જંગી ઘટાડ બાદ  ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવ એકંદરે દબાણ હેઠળ અથવા સ્થિર રહ્યા હતા. અમદાવાદ બુલિયન બજારમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 51 હજાર રૂપિયાના સ્તરે સ્થિર હતા. ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ 61,000 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો. આ અગાઉના બે દિવસમાં સોનાના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો નોંધાયા હતો. સોના-ચાંદીના ભાવમાં ઉંચા સ્તરેથી મોટા ઘટાડાને પગલે બુલિયનના વેપારીઓ-જ્વેલર્સોને દાગીનાનું વેચાણ વધવાની અપેક્ષા છે.

આજે થેક્સગીવિંગ-ડે હોવાથી અમેરિકામાં બુલિયન બજાર બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારમાં સોનું 1809 ડોલર અને ચાંદી 23.26 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતા હતા.

જો ભારતના દેશાવર બજારોની વાત કરીયે તો દિલ્હી બુલિયન બજાર ખાતે સોના-ચાંદીના ભાવમાં નામમાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેમાં સોનાનો ભાવ માત્ર 17 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 48,257 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ 28 રૂપિયાના નજીવા સુધારે 59,513 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થયો હતો.

કોરોના વાયરસની વેક્સીન ટૂંક સમયમાં તૈયાર થવાના અહેવાલોને પગલે બુલિયનમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયુ છે જેની સીધી પ્રતિકુળ અસર સોના-ચાંદીના ભાવ પર દેખાઇ રહી છે.

(7:05 pm IST)