મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમા આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો ઉપર હુમલો : બે જવાન શહીદ : સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો. જેમાં બે જવાન શહીદ થયા હતા. શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આજે બપોરે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ગોળીબારમાં બે જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને આર્મી બેસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. દરમિયાન સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધો છે.

અગાઉ ગત શનિવારે પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું હતું. પાકિસ્તાન તરફથી રાજૌરી અને નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાની પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરાયું હતું આ ગોળીબારમાં એક જવાન શહીદ થયા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ ગત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના નગરોટ વિસ્તારમાં ટ્રકમાં છુપાઇને જઇ રહેલા ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. તે તમામ આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.

આતંકવાદીઓ 26/11ની વરસી પર મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા. જ્યારે તેઓ જમ્મુ-શ્રીનગર હાઇવે પર એક ટ્રકમાં છુપાઇને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. બાદમાં સુરક્ષાદળોએ ચારેય આતંકીઓને ઠાર માર્યા હતા.

આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવાના ઇરાદાથી અત્યાર સુધી આ વર્ષે પાકિસ્તાન 4,137 વખત યુદ્ધવિરામનો ઉલ્લંઘન કર્યો છે. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં અનેક ઘટનાઓને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે.

(4:52 pm IST)