મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

બેશરમ દેશઃ બેશરમ લોકો

હુમલામાં સામેલ ૧૦ આતંકીઓની યાદમાં પાકિસ્તાનમાં પ્રાર્થના સભા

લશ્કર-એ-તૈયબાની રાજકીય પાર્ટી જમાત-ઉદ-દાવા આતંકીઓની યાદમાં આજે પ્રાર્થના સભાનું આયોજન કરશે

ઈસ્લામાબાદ, તા.૨૬: ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ (26/11 Mumbai Attack)ના રોજ થયેલા ભયાનક આતંકી હુમલાના ૧૨ વર્ષ બાદ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ની રાજકીય પાર્ટી જમાત-ઉદ-દાવા (JuD)એ ગુરુવારે પાકિસ્તાન સ્થિત પંજાબના સાહિવાલ શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. મુંબઈ હુમલામાં સામેલ આતંકીઓ માટે આજે ત્યાં પ્રાર્થના આયોજિત કરવામાં આવશે.

અંગ્રેજી અખબાર 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈમાં અનેક સ્થળોને ટાર્ગેટ કરીને હુમલો કરનારા આતંકીઓની યાદમાં લશ્કર-JuD મસ્જિદોમાં વિશેષ પ્રાર્થના સભા આયોજિત કરશે. નોંધનીય છે કે આ આતંકી હુમલાનો જવાબ આપતાં ભારતીય સુરક્ષાદળોએ ૯ આતંકીઓને ઢાળી દીધા હતા, જયારે અજમલ કસાબ નામના આતંકીને ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, ગત મહિને પાકિસ્તાનની તપાસ એજન્સી FIAએ સ્વીકાર્યું હતું કે ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના હુમલામાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હતો. FIAએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે મુંબઈ સ્થિત તાજ હોટલ પર થયેલા હુમલાને લશ્કર-એ-તૈયબાના ૧૧ આતંકીઓએ અંજામ આપ્યો હતો.

પાકિસ્તાને એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે હુમલામાં સામેલ બોટ ખરીદનારો આતંકી મુલ્તાન નિવાસી મોહમ્મદ અમજદ ખાન હજુ પણ તેમના દેશમાં છે. એક યાદીમાં ૨૬/૧૧ હુમલાને લઈ જાણકારી આપવામાં આવી છે કે તાજ હોટલમાં થયેલા આતંકી હુમલાને અંજામ આપનારી બોટમાં ૯ ક્રૂ મેમ્બર્સ હતા.

નોંધનીય છે કે, ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ આતંકીઓએ મુંબઈની તાજ હોટલ સહિત ૬ સ્થળો પર હુમલો કરી દીધો હતો. હુમલામાં લગભગ ૧૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સૌથી વધુ લોકો છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે માર્યા ગયા હતા. જયારે તાજ હોટલમાં ૩૧ લોકો આતંકીઓનો શિકાર બન્યા હતા. લગભગ ૬૦ કલાક સુધી સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે ચાલેલા એન્કાઉન્ટરમાં અજમલ કસાબને બાદ કરતાં તમામ આતંકીઓને ઠાર માર્યા હતા.

(3:32 pm IST)