મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

પતિની ૧૮ કલાકની ડયુટીથી પત્નિ ગુસ્સે થઈઃ હાઈકોર્ટમાં નોંધાવી ફરીયાદ

મહિલાએ કોર્ટને જણાવ્યુ કે કોવિડ-૧૯ની લાંબી ડયુટીને કારણે અમારા સંબંધમાં તનાવ ઉભો થયો છેઃ જો કે કાઉન્સીલીંગ બાદ દંપતિએ મતભેદો નિપટાવ્યા અને સાથે રહેવા નિર્ણય લીધોઃ કોર્ટે ફરીયાદ રદ્દ કરી

મુંબઈ, તા. ૨૬ :. ડોકટર પતિની લાંબી ડયુટીથી કંટાળીને પત્નિએ બોમ્બે હાઈકોર્ટમાં એફઆઈઆર દાખલ કરી છે. મહિલાએ કોર્ટને જણાવ્યુ છે કે કોવિડ-૧૯થી લાંબા સમયથી ડયુટીને કારણે અમારો સંબંધ તનાવમાં પસાર થઈ રહ્યો છે. જો કે કોર્ટે મહિલાની એફઆઈઆર રદ્દ કરી દીધી છે.

માઈક્રોબાયોલોજીની પ્રોફેસર મહિલાએ ન્યાયમૂર્તિ શિંદે અને ન્યાયમૂર્તિ કાર્ણીકની ખંડપીઠને જણાવ્યુ હતુ કે અમારા લગ્નને ૨૦ વર્ષ થયા છે. કોવિડ-૧૯ મહામારીના શરૂઆતના દિવસોમા કામના તનાવના કારણે અમારા લગ્નજીવનને અસર થઈ છે. મહિલાએ કહ્યુ છે કે એફઆઈઆર માર્ચ મહિનામાં ઘરેલુ હિંસાના આરોપ હેઠળ નોંધવામા આવી હતી.

એ સમયે દંપતિ એક દિવસમાં ૧૮ કલાક કામ કરતા હતા. જો કે કોર્ટ મહિલાના પતિની પૂછપરછ કરવા માગતી હતી પરંતુ પૂણે નિવાસી મહિલાએ કહ્યુ હતુ કે મારા પતિ સરકારી હોસ્પીટલમાં ડયુટી પર છે. મહિલાએ અદાલતને જણાવ્યુ હતુ કે માર્ચ અને એપ્રિલમાં જ્યારે હોસ્પીટલોમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા કામોનો બોજ વધ્યો તો ઘણુ ટેન્શન હતું. અમે રોજ ૧૮ કલાક કામ કરતા હતા. જેના કારણે ઘણી ગેરસમજણ થઈ.

ડીઝીટલ સુનાવણી દરમિયાન મહિલાએ કોર્ટને જણાવ્યુ હતુ કે કાઉન્સીલીંગ બાદ બે બાળકોવાળા દંપતિએ સાથે રહેવા નિર્ણય લીધો હતો. એફઆઈઆરને રદ્દ કરતા કોર્ટે કહ્યુ હતુ કે અમે રાજી થયા છીએ કે દંપતિના મતભેદો દૂર થઈ ગયા છે અને તેઓએ સાથે રહેવા નિર્ણય લીધો છે.

અદાલતે કહ્યુ હતુ કે ડોકટરો પ્રત્યે અમને ઘણુ સન્માન છે. જેઓ મહામારી સામે લડવામાં દિવસ-રાત કામ કરે છે અને તે પણ પરિવારના ભોગે.

(10:29 am IST)