મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

સિમેન્ટના ભાવ વધી ગયાઃ આવતા મહિનાથી વોશિંગ મશીન, ટીવી, ફ્રીઝ, એસી વગેરે મોંઘા થશે

કાચો માલ ઉપરાંત વિવિધ ધાતુના ભાવમાં વધારો થતા આવતા મહિનાથી ઉપકરણો ૩ થી ૫ ટકા મોંઘા થશે

નવી દિલ્હી, તા. ૨૬ :. આવતા મહિનાથી વોશિંગ મશીન, રેફ્રીજરેટર, ટીવી અને એસી જેવા ઉપકરણો મોંઘા થઈ રહ્યા છે. આ ઉપકરણો બનાવતી કંપનીઓ આવતા મહિનાથી ભાવમાં ૩ થી ૫ ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે.

વિવિધ કાચા માલના ભાવમાં વધારો થવાથી કંપનીઓ પાસે ભાવ વધાર્યા સિવાય છૂટકો નથી. સ્ટીલથી લઈને તાંબુ અને એલ્યુમિનીયમથી લઈને જસત સુધીના ભાવમાં છેલ્લા ૧ મહિનામા ૫ થી ૧૧ ટકાનો વધારો થયો છે. આ દરમિયાન ક્રૂડના ભાવમાં પણ ૧૬.૫ ટકાનો વધારો થયો છે. એટલુ જ નહિ સોયા ઓઈલ અને પામતેલ ના ભાવમાં પણ ૯ થી ૧૩ ટકાનો વધારો થયો છે. સિમેન્ટના ભાવ પણ વધ્યા છે.

છેલ્લા ૧ મહિનામાં સિમેન્ટના ભાવમાં થેલી દીઠ ૫ થી ૧૫ રૂ. વધી ગયા છે. સિમેન્ટના ભાવ વધારાની અસર ઘરોના નિર્માણ પર પડી છે. આર્થિક ગતિવિધિ ધીમે ધીમે જોર પકડી રહી છે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સુધારાથી સિમેન્ટની માંગ વધી છે. જેનાથી આવાસ ઉદ્યોગની કોસ્ટ વધી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિવિધ ઉપકરણોના સાચા ભાવમાં મહિના પહેલા ભાવ વધારો થયો હતો પરંતુ તહેવારોના કારણે કંપનીઓએ ભાવ વધાર્યા નહોતા પરંતુ હવે ભાવ વધારો લાદવો પડે તેમ છે.

(10:28 am IST)