મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

દેશવ્યાપી શ્રમિક હડતાલઃ બેન્કોમાં કામકાજ ઠપ્પ

સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં દેશભરના ૨૦ કરોડથી વધુ કામદારો આજે ફરજથી દૂર રહ્યા : બેન્કો ઉપરાંત અનેક સેકટરના કામકાજને પણ અસરઃ અનેક સ્થળે શાંતિપૂર્વક દેખાવો

આજે દેશવ્યાપી બેન્ક હડતાલનું એલાન હતુ. જેમા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના કર્મચારીઓ જોડાયા ન હતા. આ બેન્કમાં રાબેતા મુજબનું કામકાજ ચાલુ રહ્યુ હતુ તે તસ્વીરમાં દેખાય છે. બેન્કમાં સોશ્યલ ડીસ્ટન્સનો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે તે પણ તસ્વીરમાં દેખાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

નવી દિલ્હી, તા. ૨૬ :. સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં આજે ૧૦ કેન્દ્રીય મજુર સંગઠનોએ હડતાલનું એલાન આપતા બેન્ક સહિત અનેક સેકટરમાં કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યુ છે.

આજે ૨૫ કરોડથી વધુ શ્રમિકો દેશવ્યાપી હડતાલમાં જોડાયા હોવાનુ જાણવા મળે છે. બેન્ક ઉપરાંત પોસ્ટ, ઈન્કમટેક્ષ, રેલ્વે, ટેલીકોમ, વિજળી સહિતના ક્ષેત્રના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે.

કેન્દ્ર સરકારની શ્રમિક અને મજદુર વિરોધીઓ નીતિઓના વિરોધમાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર બેન્ક, રેલ્વે અને રોડવેઝના કામકાજને ખાનગી હાથમાં સોંપવા માગે છે તે સામે આ હડતાલનુ એલાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ટ્રેડ યુનિયનો નવા શ્રમ કાનૂનોનો વિરોધ કરી રહ્યા છે એટલુ જ નહિ યુનિયનોને નવી પેન્શન યોજનાની માગણી પણ કરી રહ્યા છે. યુનિયનોનું કહેવુ છે કે જો સરકાર નહી જાગે તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.

આજની હડતાલમાં મોટાભાગની બેન્કો જોડાતા દેશભરમાં બેન્કીંગ કામકાજ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. આજે અનેક જગ્યાએ શાંતિપૂર્વકના દેખાવો પણ યોજવામાં આવ્યા છે. જો કે સ્ટેટ બેન્ક અને સહકારી ક્ષેત્રની બેન્કો આજે ચાલુ રહી છે.

(3:27 pm IST)