મુખ્ય સમાચાર
News of Tuesday, 26th October 2021

લખીમપુર ખેરી : સાક્ષીઓને રક્ષણ આપવા અને નિવેદનો ઝડપથી નોંધવા યુ.પી.સરકારને સુપ્રીમ કોર્ટનો આદેશ : આગામી સુનાવણી 8 નવેમ્બરના રોજ

ન્યુદિલ્હી : લખીમપુર ખેરી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે આજે ઉત્તર પ્રદેશ સરકારને ઘટનાના સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના ફોર વ્હીલર દ્વારા કથિત રીતે આઠ વ્યક્તિઓને કચડી નાખવામાં આવ્યા હતા.

ભારતના ચીફ જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની ખંડપીઠે આ કેસમાં સાક્ષીઓના નિવેદનો ઝડપથી નોંધવા નિર્દેશ આપ્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટની તપાસ કર્યા પછી, CJI રમણાએ પૂછ્યું હતું કે "તમે એક સિવાયના તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં કેમ રાખ્યા છે? કયા હેતુથી?"

યુપી સરકારના એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે બેંચને કહ્યું કે હજુ પણ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને કહ્યું કે 68માંથી 30 સાક્ષીઓના નિવેદન ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 23 આંખે દેખનાર સાક્ષીઓ છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે સાક્ષીઓના રક્ષણ અંગે, અમે સાક્ષીઓને રાજ્ય દ્વારા રક્ષણ પૂરું પાડવાનો નિર્દેશ આપીએ છીએ. અમે આગળ નિર્દેશ કરીએ છીએ કે સંબંધિત નિવેદનો ઝડપથી નોંધવામાં આવે. જો ન્યાયિક અધિકારી ઉપલબ્ધ ન હોય, તો જિલ્લા ન્યાયાધીશ આ નિવેદનો સાંભળવા માટે નજીકના મેજિસ્ટ્રેટને સૂચના આપી શકે છે."

મૃતકોમાંથી એકની પત્ની માટે હાજર થતાં વરિષ્ઠ વકીલ અરુણ ભારદ્વાજે જણાવ્યું હતું કે, હું રૂબી દેવી માટે હાજર થયો છું. મારા પતિની હત્યા કરવામાં આવી છે. મારે ન્યાય જોઈએ છે. હત્યારાઓ આઝાદ ફરે છે અને મને ધમકીઓ આપી રહ્યા છે."

CJI રમણાએ જણાવ્યું હતું કે મારી સામે બે ફરિયાદી છે. એક રૂબી દેવી અને એક પત્રકારનું મૃત્યુ. રાજ્યને આ કેસમાં અલગ જવાબો દાખલ કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે

મામલાની આગામી સુનાવણી 8 નવેમ્બર પર મુલતવી રાખવામાં આવી  છે.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

 

(12:49 pm IST)