મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

ફ્રેન્ચ રાષ્ટ્રપતિના ઈસ્લામિક આતંકવાદી હુમલાના નિવેદન પછી આરબ રાષ્ટ્રોમાં ફ્રેન્ચ માલનો બહિષ્કાર અને વિરોધ શરૂ

તુર્કી : મોહમમ્દ પયગંબરના કાર્ટૂન બતાવનાર ફ્રેન્ચ શિક્ષકની હત્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નિવેદનોથી ઘણા મુસ્લિમ દેશોમાં આક્રોશ સર્જાયો છે.

પોતાના નિવેદનમાં, મેક્રોને કટ્ટરપંથી ઇસ્લામની ટીકા કરી હતી અને શિક્ષકની હત્યાને ઇસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

આ પછી ઘણા આરબ દેશોએ ફ્રેન્ચ ચીજોનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. કુવૈત, જોર્ડન અને કતારની કેટલીક દુકાનોમાંથી ફ્રેન્ચ માલ દૂર કરવામાં આવ્યો છે. લિબિયા, સીરિયા અને ગાઝા પટ્ટીમાં ફ્રાંસ વિરુદ્ઘ વિરોધ પ્રદર્શનો થયા છે.

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે લઘુમતી સમુદાયના એક કટ્ટર વર્ગ દ્વારા જ આવો પાયાવિહોણા બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

સ્કૂલના વર્ગખંડમાં મોહમ્મદ પયગમ્બરના વિવાદાસ્પદ કાર્ટૂન બતાવનાર શિક્ષકની હત્યા બાદ ફ્રેન્ચ પ્રમુખ મેક્રોનના આ બયાન ઉપર બબાલ શરૂ થયેલ હોવાનું બીબીસી નોંધે છે. આ મહિનાની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ મેક્રોને શિક્ષકની હત્યા પહેલાં ઇસ્લામિક અલગતાવાદનો સામનો કરવા માટે ફ્રાન્સમાં સખત કાયદાઓની જાહેરાત કરી હતી.

તે સમયે, તેમણે કહ્યું હતું કે, આશંકા છે કે ફ્રાન્સની લગભગ ૬૦ લાખ મુસ્લિમોની વસ્તી સમાજના મુખ્ય પ્રવાહથી અલગ થઈ શકે છે. આ સાથે જ તેમણે ઇસ્લામને એક એવો ધર્મ તરીકે વર્ણવ્યો જે સંકટમાં છે.

મેક્રોનના નિવેદનોની ભારે ટીકા થઈ છે. તુર્કી અને પાકિસ્તાને મેક્રોન પર ધર્મની સ્વતંત્રતા નો આદર ન કરવાનો અને ફ્રાન્સના લાખો મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનો આરોપ મૂકયો છે.

બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફ્રેન્ચ નેતા પર આરોપ લગાવ્યો કે તેઓ ઇસ્લામની સ્પષ્ટ સમજ વિના ઇસ્લામ પર પ્રહારો કરી રહ્યા છે.

તેમણે એક ટ્વિટમાં કહ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને યુરોપ અને વિશ્વના લાખો મુસ્લિમોની લાગણીઓ પર હુમલો કર્યો છે અને તેમને નુકસાન પહોંચાડ્યું છે.

રવિવારે ઇમરાન ખાને ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખીને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ઇસ્લામ વિરોધી સામગ્રીને દૂર કરવા અને આવી સામગ્રી પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂકવા તાકીદ કરી છે.

રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સૂચવ્યું હતું કે ઇસ્લામ અંગેના તેમના મંતવ્યોને કારણે મેક્રોનને માનસિક સારવાર આપવી જોઈએ.

એર્દોગનની ટિપ્પણી બાદ ફ્રાન્સે તુર્કીમાં તેના રાજદૂતને સલાહ માટે બોલાવેલ છે.

રવિવારે જોર્ડન, કતાર અને કુવૈતની કેટલીક સુપરમાર્કેટ્સમાંથી ફ્રેન્ચ માલ દૂર કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, ફ્રાન્સમાં બનેલા વાળ અને સૌન્દર્ય ઉત્પાદનો સ્ટોર્સમાં દેખાતા નહોતા. કુવૈતમાં એક મોટા રિટેલ યુનિયનએ ફ્રેન્ચ માલનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. ઉપભોકતા સહકારી મંડળીઓના બિન-સરકારી સંગઠને કહ્યું કે તેણે મોહમ્મદ પયગમ્બરના 'વારંવાર અપમાન'ના જવાબમાં આ સૂચનાઓ જારી કરી છે. એક નિવેદનમાં ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું કે લઘુમતી સમુદાયના એક ઉગ્રવાદી વર્ગ દ્વારા નિરાધાર બહિષ્કાર ચલાવવામાં આવી રહ્યો છે અને આ બહિષ્કાર તાત્કાલિક બંધ કરવામાં આવે.

સોશિયલ મીડિયા દ્વારા સાઉદી અરેબિયામાં પણ આવા જ બહિષ્કારની હાકલ કરવામાં આવી રહી છે.

અરબવિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાઉદી અરેબિયામાં ફ્રેન્ચ સુપરમાર્કેટ ચેઇન કેરેફોરનો બહિષ્કાર કરવાની માંગ કરતી હેશટેગ બીજા ક્રમે છે. દરમિયાન, લિબિયા, ગાઝા અને ઉત્તર સીરિયામાં નાના પાયે ફ્રેન્ચ વિરોધી દેખાવો થયા. આ વિસ્તારો તુર્કી સમર્થિત લશ્કરી જૂથો દ્વારા નિયંત્રિત છે.

(3:37 pm IST)