મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

બિહારના મોતિહારીમાં ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન નાવ પલટી જતા 22 લોકો નદીમાં ગરકાવ

પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે : 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા : એક બાળકીનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો જેની ઓળખ ચાંદની કુમારી તરીકે થઈ છે : હાલ અન્ય લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

પટાણા  બિહારના મોતીહારીમાં નાવ પલટી જતા 22 લોકો નદીમાં ડુબી ગયા છે. મળતી માહિતી અનુસાર હાલ 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.શિકરગંજ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, એક બાળકીનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.જેની ઓળખ ચાંદની કુમારી તરીકે થઈ છે. હાલ અન્ય લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

મળતી માહિતી મુજબ, ઘણા અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. બચાવ ટીમ દ્વારા હાલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, સ્થાનિક ડાઇવર્સ પણ આ બચાવ કામગીરીમાં જોતરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બોટ ચલાવનાર વ્યક્તિ સ્વિમિંગ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે.

અગાઉ પણ બિહારના પરવલપુરના લક્ષ્મી બિઘા ગામમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ધટના થઈ હતી.જેમાં સાત છોકરીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. તેમાંથી બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ગ્રામજનો સફળ રહ્યા હતા.મળતી માહિતી મુજબ બ્યુટી કુમારી, રિંકી કુમારી, સિમરન કુમારી, અંશુ કુમારી અને વિરમાણી કુમારી સહિતની છોકરીઓ મુર્તિ વિસર્જનમાં જોડાઈ હતી,જેમાં મુર્તિ વિસર્જન દરમિયાન તેમના પગ લપસી જતા તેઓ નદીમાં ડુબી ગયા હતા.

ઉપરાંત આ પહેલા બિહારના બાંકામાં નદીમાં ડૂબી જવાથી ત્રણ છોકરીઓના મોત થયા હતા. જ્યારે બે છોકરીઓને ગ્રામજનોએ બચાવી હતી. આ છોકરીઓ નદીમાં સ્નાન કરવા ગઈ હતી. ત્યારે નદીમાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને કરંટ લાગ્યો હતો.જેને કારણે તેના નદીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા.

(2:13 pm IST)