મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

મહાસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું સંયુક્ત રાષ્ટ્રના સ્વરૂપ અને વ્યવસ્થામાં પરિવર્તન એ સમયની માંગ છે

આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે?

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભા (UNGA)ના 75મા સત્રની સામાન્ય સભાને સંબોધન કરતા  આ આંતરરાષ્ટ્રીય સંસ્થાની કાર્યપ્રણાલીમાં વ્યાપક પરિવર્તન કરવા પર ભાર મૂક્યો હતો.ભારતીય સમય અનુસાર સાંજે 6:30 કલાકે સામાન્ય સભાને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ પૂછ્યું હતું કે,“આખરે કોરોના મહામારીનો સામનો કરવાના પ્રયત્નોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ ક્યાં છે? ભારતના લોકો સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાને લઈને ચાલી રહેલ પ્રોસેસ પૂરી થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ભારતના લોકો ચિંતિત છે કે, શું આ પ્રોસેસ ક્યારેય અંત સુધી પહોંચી શકશે? આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે?”

  વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રના સ્વરૂપ અને વ્યવસ્થામાં પરિવર્તન એ આજના સમયની માંગ છે. સંયુક્ત રાષ્ટ્રને તેની જવાબદારી પ્રત્યે ધ્યાન આપવાનો ઈશારો કરતાં વડાપ્રધાને કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ સમક્ષ એક મોટો પ્રશ્ન છે કે જે સંસ્થાની રચના જે-તે સમયની પરિસ્થિતિમાં થઈ હતી, તેનું સ્વરૂપ શું આજે પણ વ્યાજબી જ છે?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો આપણે 75 વર્ષોની સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરીએ, તો અનેક ઉપલબદ્ધીઓ જોવા મળે છે. અનેક એવા ઉદાહરણ પણ છે, જે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ગંભીર આત્મમંથન કરવાની આવશ્યક્તા ઉભી કરે છે. એ વાત સાચી છે કે, ત્રીજુ વિશ્વયુદ્ધ નથી થયું, પરંતુ આ વાતને નકારી ના શકાય. અનેક ગૃહયુદ્ધો થયા, સેંકડો આતંકવાદી હુમલાઓમાં લોહીની નદીઓ વહેતી રહી. આ યુદ્ધ અને હુમલાઓમાં માર્યા ગયેલા આપણા જેવા માનવીઓ જ હતા.

જે લાખો માસૂમ બાળકો, જેમને વિશ્વમાં છવાઈ જવાનું હતું, તેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા. કેટલાય લોકોએ પોતાની જીવનભરની કમાણી ગુમાવી પડી. તે સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રયત્નો શું પુરતા હતા?

PM મોદીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, છેલ્લા 8-9 મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જજૂમી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવાની લડાઈમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે?

(11:25 pm IST)