મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

અમેરિકામાં આર્ષ વિદ્યા ગુરૂકુળના ઉપપ્રમુખ સ્‍વામી પ્રત્‍યાગબોધનંદનું હૃદયરોગના હૂમલાથી નિધનઃ આજે સુરતમાં અંતિમ દર્શનઃ તેઓ ઘણાં દાયકાથી અમેરિકામાં વૈદિક શિક્ષણ આપી રહ્યા હતા

વોશિંગ્ટન: છેલ્લા ઘણા દાયકાઓથી અમેરિકામાં વૈદિક શિક્ષણ આપી રહેલા આર્ષ વિદ્યા ગુરુકુલના ઉપપ્રમુખ સ્વામી પ્રત્યાગબોધનંદનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગુજરાત લાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ અમેરિકામાં રહેતા ઘણા વિદ્યાર્થીઓએ વેદાંતનું પરંપરાગત શિક્ષણ ત્યાં આપીને ગુરુકુલ સ્થાપવાની માંગ કરી હતી. ત્યારબાદ 1986માં, પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ સરસ્વતીએ પેન્સિલ્વેનિયામાં આર્ષ વિદ્યા ગુરૂકુલની સ્થાપના કરી.

ગુરુકુલમમાં સ્વામી પ્રત્યાગબોધનંદ (69) ઉપપ્રમુખ હતા. 20 સપ્ટેમ્બરના રોજ ગુરુકુલની 34મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધા બાદ તેઓને છાતીમાં દુ:ખાવો અને ગભરાટથી સમસ્યા થઈ. તાત્કાલીક તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તે પહેલા તેમનું નિધન થયું હતું.

સ્વામી પ્રત્યાગબોધનંદ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં અસ્ખલિત બોલે છે. તે ભગવદ ગીતા, ઉપનિષદ અને પંચદશી સિવાય તુલસી રામાયણ અને ભાગવત પુરાણ શીખવતા. 22 સપ્ટેમ્બરના રોજ એર ઈન્ડિયાના વિમાનથી તેમની ભારત આવવાની યોજના હતી. પરંતુ તે પહેલાં તેઓએ દુનિયા છોડી દીધી. હવે તેમનો મૃતદેહ 25 સપ્ટેમ્બરે એર ઇન્ડિયાના વિમાન દ્વારા મુંબઇ લાવવામાં આવ્યો છે.

સ્વામી પ્રત્યાગબોધનંદના ભારતમાં, ખાસ કરીને મુંબઇ અને સુરતમાં મોટી સંખ્યામાં અનુયાયી છે. તેમના પાર્થીવ દેહના અંતિમ દર્શન સુરત ખાતે રાખવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કાર આજે વડોદરાના ચણોદમાં થશે.

(5:28 pm IST)