મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

વિશ્વમાં કુલ કેસની સંખ્યા ૩.૨૭ કરોડ : મેકિસકોમાં મૃત્યુઆંક ૭૫ હજારને પાર

કેનેડા - યુકેમાં બીજી લહેર : યુકેમાં ૨૪ કલાકમાં ૬૬૩૪ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૨૬ : વિશ્વમાં સંક્રમિતોનો આંકડો ૩.૨૭ કરોડ જ્યારે મૃતકોની સંખ્યા ૯.૯૩ લાખને પાર થઇ ગઇ છે. મહામારીની ઝપેટમાં આવેલા ૨.૪૧ કરોડ લોકો સ્વસ્થ થયા છે. આ બધાની વચ્ચે કેનેડા અને બ્રિટેન મહામારીની બીજી લહેરની ઝપેટમાં આવી ગયા છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ત્રુદોએ કહ્યું, દેશમાં કોરોનાની બીજી લહેરનો ઇન્કાર કરી શકાય નહિ દેશમાં ગઇકાલે ૧૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૫૦ લાખ થઇ ગઇ છે. બીજીબાજુ મૃતકોની સંખ્યા પણ ૧૦ હજારની નજીક છે.

બીજીબાજુ બ્રિટેનમાં ૨૪ કલાકમાં ૬૬૩૪ નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. દેશમાં મહામારીના કારણે ૪૧,૯૦૨ના મોત થયા છે. બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ માન્યું કે દેશ મહામારીની બીજી લહેર ભોગવી રહ્યું છે. બીજી બાજુ મેકિસકોમાં ૨૪ કલાકમાં ૪૯૦ના મોત થયા છે ત્યારબાદ મૃતકોનો આંકડો ૭૫ હજારને પાર થયો છે.

પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૮ નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૩,૦૯,૦૧૫ થઇ છે.

રશિયામાં કોરોનાના ૭૨૧૨ નવા કેસ મળ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૧,૩૬,૦૪૮ થઇ ગઇ છે. તેની સાથે જ સાથે જ સંક્રમણનું સ્તર ૨૩ જુન બાદથી ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો છે. મોસ્કોમાં નવા કેસની સંખ્યા ૧૦૫૦થી અંદાજે ૫૦ ટકાથી વધીને રાતોરાત ૧૫૬૦ થયો છે. પ્રશાસને જણાવ્યું કે સમગ્ર દેશમાં ૧૦૮ના મોત થયા બાદ કોરોનાથી મૃત્યુઆંક ૨૦૦૫૬ થયો છે.

(1:03 pm IST)