મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

કોરોના સામે રક્ષણ આપે છે ચશ્મા

ખુલી હવા અને તડકામાં વાયરસ ચશ્મા પર વધુ વાર નથી ટકી શકતા

અમદાવાદ, તા., ૨૬: કોરોના સંક્રમણ બાબતે ભારત અમેરીકા પછી વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયું છે. સતત વધી રહેલા સંક્રમણથી સૌ કોઇ ચિંતીત છે. ત્યારે ચીનમાં જેએએમએ ઓપ્થેલ્મોલોજીમાં પ્રકાશીત અભ્યાસથી જાણવા મળ્યું છે કે ચશ્મા પહેરનારાઓને કોરોના સંક્રમણની આશંકા ઓછી રહે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચશ્મા પહેરેલ હોવાથી લોકો વારંવાર આંખોને નથી અડતા જેના લીધે હાથમાંથી વાયરસ આંખો સુધી નથી પહોંચતા. આ ઉપરાંત ચશ્મા ખુલ્લી હવા અને તડકામાં રહેવાથી કોરોના વાયરસ પણ તેના પર વધુ વાર નથી ટકી શકતો. આ અભ્યાસ બાબતે અમદાવાદના ઓપ્થેલ્મોલોજીસ્ટ ડોકટર નીરા કંજાણીએ જણાવ્યું કે આંખની આસપાસ હાથ અડવાથી આંખો દ્વારા કોરોના શરીરમાં પ્રવેશે છે. એ જ રીતે વોશ બેઝીનમાં કોઇ વ્યકિતના થુકયા પછી ત્યાં હાથ ધોવા કે મોઢુ ધોવા નમતી વખતે આંખો દ્વારા કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. પણ આંખો દ્વારા કોરોના ફેલાવાની આશંકા એટલી જ હોય છે જેટલી નાકથી શ્વાસ લેવામાં હોય છે.

વડીલોએ ચશ્મા પહેરવા જોઇએ

માસ્ક પહેરવાથી મોઢુ અથવા નાક દ્વારા કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ થવાથી બચી શકાય પણ આંખો ખુલ્લી રહેવાના કારણે શરીરમાં કોરોના વાયરસ પ્રવેશવાનો ભય રહે છે એટલા માટે મોટી વયના લોકોને સલાહ છે કે તેઓ પ્રોટેકટીવ ગ્લાસ (રક્ષણ માટેના ચશ્મા) પહેરે.

આ સલાહ બાળકો સહીત બધી ઉંમરના લોકોને પણ લાગુ પડે છે.

(1:01 pm IST)