મુખ્ય સમાચાર
News of Wednesday, 26th September 2018

સ્કુલ પ્રવેશ - સિમ - બેંક ખાતા માટે આધાર અનિવાર્ય નથી

સુપ્રિમ કોર્ટનો ફેંસલો : આધાર કાર્ડની બંધારણીય કાયદેસરતાને કોર્ટે યથાવત રાખી : CBSE - NEET - UGC પરીક્ષા માટે પણ આધાર જરૂરી નથીઃ આધાર સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ દરેક જગ્યાએ આપવું જરૂરી નથી : કેટલીક શરતો સાથે કોર્ટે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી તા. ૨૬ : લાંબા સમયથી ચર્ચમાં રહેલી આધારની કાર્ડની બંધારણીય માન્યતા અંગે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો મહત્વપૂર્ણ ચૂકાદો આપી દીધો છે. દેશની સર્વોચ્ચ કોર્ટે આધારની બંધારણીય માન્યતાને સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, 'આધાર સામાન્ય નાગરીકની ઓળખ છે. પરંતુ સ્કૂલમાં એડમિશન માટે આધારને ફરજીયાત કરવું જોઈએ નહીં. તેમજ કોઈપણ મોબાઇલ કંપની આધારકાર્ડની માગણી કરી શકે નહીં.'

આધારની સુરક્ષા મામલે પણ કોર્ટે તમામ શંકાઓને ફગાવી દેતા કહ્યું કે, 'ડુપ્લિકેટ આધાર બનાવવું શકય નથી માટે આધાર અંગે સેવવામાં આવતી તમામ શંકાઓ અસ્થાને છે. આધાર હકીકતમાં ગરીબો અને જરુરિયાતમંદો માટે આધાસસ્તંભનું કામ કરે છે. આધારથી તેમને મજબૂતી મળે છે.' ચુકાદો આપાતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે, 'ભણતર આપણને અંગૂઠાછાપમાંથી લખતા શીખડાવે છે જયારે ટેકનોલોજી આપણને ફરી અંગૂઠાના નિશાન તરફ લઈ જાય છે.'

આધારની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે, 'સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસી ગયેલા અને વસવાટ કરતા લોકોને આધાર કાર્ડ જેવો મહત્વનો દસ્તાવેજ ન મળે. જસ્ટિસ સીકરીએ કેન્દ્રને કહ્યું કે તેઓ જેટલું શકય બને તેટલું વહેલું એક આકરો ડેટા સિકયોરિટી કાયદો બનાવે.' સુપ્રીમે પોતાના ચુકાદમાં કહ્યું કે, 'કોઈપણ વ્યકિતને આપવામાં આવતો આધાર નંબર યૂનીક હોય છે અને તે બીજા કોઈપણ વ્યકિતને આપવામાં નથી આવતો. આધાર મેળવવા માટે UIDAI દ્વારા નાગરિકોના જરૂરી ડેટા જ લેવામાં આવે છે.'

ચુકાદો આફતા જસ્ટિસ સીકરીએ કહ્યું કે, 'આધાર કાર્ડ અને ઓળખ વચ્ચે એક મૌલિક અંતર છે. એકવાર બાયોમેટ્રિક માહિતી સ્ટોર કરવામાં આવે છે તો તે સીસ્ટમમાં રહે છે.' જસ્ટિસ સીકરીએ આધાર મામલે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ ખાનવિલકર તરફથી પણ ચુકાદો સંભળાવ્યો હતો. જયારે જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ એ.ભૂષણે આ અંગે પોતાના ભિન્ન ભિન્ન મત રજૂ કર્યા હતા.

 જસ્ટિસ સીકરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે, 'સર્વશ્રેષ્ઠ હોવાની જગ્યાએ બધાથી અલગ હોવું વધુ સારુ છે અને આધારનો અર્થ બધાથી અલગ હોવું છે. આધારથી સમાજના વંચિત તબક્કાને પોતાની અલગ ઓળખ અને તાકાત મળી છે. આધાર બીજા આઈડી પ્રુફથી બિલકુલ અલગ છે કેમ કે તેને ડુપ્લિકેટ બનાવવું ખૂબ અઘરું છે.' જોકે આ સાથે લોકોની ગરીમા જળવાય તેનું પણ ઓથોરિટીએ ધ્યાન રાખવાનું છે. તમને જણાવી દઈએ કે આધારની વૈધાનિકતાને પડકારતી ૨૭ અરજીઓ પર લગભગ ચાર મહિના સુધી ચર્ચા ચાલી હતી. સુપ્રીમ કોર્ટે ૧૦મી મેના રોજ ચુકાદો પોતાની પાસે સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદો આવતા પહેલા એટર્ની જનરલ તરીકે આ કેસમાં સરકારનો પક્ષ મુકનારા મુકુલ રોહતગીએ કહ્યુ હતું કે, ડેટાની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ડેટાની સુરક્ષા કરશે. આ બાબતે એક કાયદો પણ આવશે.

ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી જાન્યુઆરીમાં શરુ થઈ હતી. ત્યારપછી લગભગ ૩૮ દિવસ સુધી કેસની સુનાવણી ચાલી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોને બેન્ચ સમક્ષ પક્ષ અને વિપક્ષ તરફથી અનેક દલીલ કરવામાં આવી હતી

સરકારે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત કર્યુ હતું. આ સિવાય બેન્ક અકાઉન્ટ ખોલવા, પાન કાર્ડ બનાવવા, સેલફોન સર્વિસ, પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યુ હતુ. આધાર કાર્ડને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. પિટિશનર્સનું કહેવું છે કે આધાર કાર્ડથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, માટે તેને રદ્દ કરી દેવું જોઈએ.

કેન્દ્ર સરકારે આધાર કાર્ડના પક્ષમાં અનેક દલીલો કરી હતી. સરકારની સૌથી મોટી દલીલ એ હતી કે આ કારણે સબસિડીના લાભાર્થીઓને કોઈ પણ ગરબડ વિના લાભ મળે છે. આધાર ડેટા પર સરકાર અને આધાર ઓથોરિટીનું કહેવુ છે કે, ડેટા સંપૂર્ણપણે સેફ છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂરે સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, સરકાર નાણાંકીય જાણકારી અને લેવડલેવડ વિષે જાણી શકે છે. આઈટી રિટર્ન વગેરે વિષે વિસ્તૃત જાણકારી માંગી શકે છે, પરંતુ હું મારી પત્ની સાથે કોઈ રેસ્ટોરાંમાં જઉ તેની જાણકારી કોઈ કઈ રીતે લઈ શકે? આવી બાબતોમાં દખલ ન કરવી જોઈએ. સરકાર આધાર માટે જે જાણકારી લઈ ચુકી છે તે ડેટાનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે, પરંતુ વ્યકિતગત જાણકારીનો ઉપયોગ અન્ય ઉદ્દેશ માટે ન કરી શકાય.

આધાર અંગે સુપ્રીમે કરેલા અગત્યના ફેરફાર આધાર કયાં જરૂરી

- પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવું ફરજિયાત.ઙ્ગ

- ઇન્કમ રિટર્નમાં આધાર કાર્ડ ફરજિયાત

- સબસિડી મેળવવામાં આધાર કાર્ડ ફરજિયાત

આધાર કયાં જરૂરી નથી

- આધારથી પ્રાઈવસી ભંગના કોઈ પુરાવા મળ્યા નથી.

- બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી નથી.ઙ્ગ

- મોબાઈલનું સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડ જરૂરી નથી.

- ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટેઙ્ગશાળામાં એડમિશન મેળવવા માટે

  આધાર કાર્ડ જરૂરી નથી.ઙ્ગ

- પ્રાઈવેટ કંપનીઓ આધાર કાર્ડની માંગ નહીં કરી શકે.ઙ્ગ

- સીબીએસઇ, યુજીસી અને નીટની પરીક્ષાઓમાં

- ગેરકાયદેસર દેશમાં આવેલા પ્રવાસીઓને આધાર કાર્ડ આપવામાં

  નહીં આવે.

(3:07 pm IST)