મુખ્ય સમાચાર
News of Wednesday, 26th September 2018

મહારાષ્‍ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલ મુરૂડ ગામ ફરવા માટે ઉત્તમ સ્‍થળઃ ૩પ૦ વર્ષ જૂનો ૪૦ ફૂટ ઉંચો કિલ્લો આજેય અડીખમઃ શિવાજીથી લઇને સંભાજી અને પોર્ટુગીઝથી અંગ્રેજો સુધી કોઇ જીતી શક્યા ન હતા

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલ મુરુડ ગામ ખાતે જંજીરા ફોર્ટ મુંબઈ અને પુનાની નજીક ફરવા માટેનું સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન છે. અરબ સાગરમાં એક નાનકડા ટાપુ પર બનેલ હોવાના કારણે આ કિલ્લાને આઇલેન્ડ ફોર્ટ પણ કહેવાય છે. આ કિલ્લો એક સમયે જંજીરના સિદ્ધિકિયોની રાજધાની હતો. કિલ્લો લગભગ 350 વર્ષ જેટલો જૂનો છે. કિલ્લાની દિવાલો 40 ફીટ જેટલી ઉંચી છે. તેની આ જ ખાસ બનાવટના કારણે કેટકેટલા હુમલા પછી પણ આ કિલ્લો આજે પણ અજેય ઉભો છે.

જંજીરા 15મી સદીમાં કોળી પ્રમુખ દ્વારા બનાવવામાં આવેલ લાકડાનો એક નાનો એવો કિલ્લો હતો જેને અહમદનગરના સેનાપતિ પીર ખાને પોતાના આધીન કર્યો હતો. જે બાદ અહમદનગરના શાસક મલિક અંબરે લાકડાના આ કિલ્લાને તોડીને તેની જગ્યાએ વિશાળ કિલ્લાનું નિર્માણ કર્યું હતું.

કિલ્લો સમુદ્ર તટથી 90 ફૂટ ઉંચો છે. તેના પાયા જમીનમાં 20 ફૂટ જેટલા નીચે નાખવામાં આવ્યા છે. આ કિલ્લાને બનાવવામાં 22 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 22 એકરમાં ફેલાયેલ આ કિલ્લામાં 22 જેટલા સુરક્ષા પોઇન્ટ છે. આ કિલ્લાની વિશેષ બનાવટના કારણે જ તેના પર શિવાજીથી લઈને સંભાજી અને પોર્ટુગીઝથી લઈને અંગ્રેજો સુધી કોઈ તેને જીતી શક્યા નહોતા.

કિલ્લાની અંદર જતાવેત જ નાગરખાના દેખાય છે જેમાં સંગેમરમરથી બનેલ શિલાલેખ છે. જે અરેબિક ભાષામાં તે સમય અંગેની માહિતી આપે છે. દરવાજાની અંદર પ્રવેશ કરતા જ પીર પંચાયતન મંદિરછે જેમાં આવેલ પગથીયાની મદદથી તમને કિલ્લામાં સૌથી ઉપરની ટોચ પર પહોંચી શકો છો. આ કિલ્લામાં હજુ પણ ઘણી તોપ છે જે આજે પણ ખરાબ નથી થઈ. અહીં એક પાંચ માળનું બિલ્ડિંગ જિર્ણ હાલતમાં છે જે એક સમયે નવાબનો મહેલ હતો.

કિલ્લાના ઉત્તર તરફ બીજો એક વિશાળ દરવાજો છે જેને સ્થાનિક લોકો ચોર દરવાજો કહે છે. તેમજ કિલ્લાની વચ્ચોવચ 80 મીટર ઉંચી એક ટેકરી છે જેના પર પહોંચી ને કિલ્લાની તમામ ઇમારત જોઈ શકાય છે. કિલ્લાની અંદર પાણીની વ્યવસ્થા માટે બે વિશાળ ટાંકી અને બે મસ્જિદ પણ છે. કિલ્લાની પૂર્વ તરફ સુંદર દરિયા કિનારો છે. જ્યારે ઉત્તરમાં એક પદ્મદુર્ગ કિલ્લો પણ છે. જે 81.5 એકરમાં ફેલાયેલ છે. આ કિલ્લાને શિવાજી મહારાજે બનાવ્યો હતો.

ફ્લાઇટ દ્વારા અહીં પહોંચવા માટે મુંબઈ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. જ્યારે ટ્રેન માર્ગે અહીં પહોંચવા માટે કોકણ રેલવે લાઇન પર આવેલ રોહા નજીકનું રેલવે સ્ટેશન છે. જ્યારે રોડ માર્ગે જવા માટે મુંબઈ ગોવા હાઇવે દ્વારા અહીં પહોંચી શકાય છે. તેમજ આ કિલ્લા પર પહોંચવા માટે તમને દરિયાઈ રસ્તો પણ મળે છે. આ રસ્તે તમે મુરુડ ગામથી બોટમાં બેસીને આ કિલ્લા પર પહોંચી શકો છો.

(12:00 am IST)