મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

બિહારની રાજધાની પટનામાં ભ્રષ્ટાચારના એક ભારે મોટા કેસનો પર્દાફાશ: ડ્રગ્સ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર ના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી

દરોડમાં કરોડોની જમીનના દસ્તાવેજ, સોના-ચાંદીના ઘરેણાં, 4 લક્ઝરી કાર સહિતની અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે: પટના સહિતના 4 સ્થળોએ એકસાથે દરોડો પાડ્યા હતા

નવી દિલ્‍હી :  બિહારની રાજધાની પટનામાં ભ્રષ્ટાચારના એક ભારે મોટા કેસનો પર્દાફાશ થયો છે. આવક કરતા વધારે સંપત્તિ મામલે એક ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. સર્વેલન્સ ટીમે પટના સિટીના સુલતાનગંજ થાણા ક્ષેત્રના ખાન મિર્ઝા વિસ્તારમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના ઘરે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ, કરોડોની જમીનના દસ્તાવેજ, સોના-ચાંદીના ઘરેણાં, 4 લક્ઝરી કાર સહિતની અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. મોનિટરીંગ વિભાગે શનિવારના રોજ પટના સહિતના 4 સ્થળોએ એકસાથે દરોડો પાડ્યો હતો. ડ્રગ્સ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર સામે આવક કરતાં વધારે સંપત્તિનો કેસ દાખલ થયો હતો તથા કોર્ટ પાસેથી દરોડાની મંજૂરી મળી ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ સુલ્તાનગંજ ખાતેના ઘરેથી આશરે 4 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. રોકડની ગણતરી માટે મશીન મગાવવામાં આવ્યા હતા પરંતુ શનિવારે પણ કેશની ગણતરી નહોતી થઈ શકી. આ કારણે આજે રવિવારના રોજ પણ રોકડની ગણતરી ચાલુ રાખવામાં આવશે. તે સિવાય જિતેન્દ્ર કુમારના ઘરેથી જે ઘરેણાં મળ્યા છે તેમાં હીરા, આશરે પોણો કિલો સોનું, 3 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત જમીન અને ફ્લેટના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

એવો આરોપ છે કે, ડ્રગ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારે સરકારી નોકરી દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હતો. તેમના વિરૂદ્ધ સતત ફરિયાદો મળી રહી હતી. રાજ્ય સરકારે જ્યારે જિતેન્દ્ર કુમાર સામેના આરોપોની તપસા કરાવી તો તે સાચી જણાઈ હતી. ત્યાર બાદ મોનિટરીંગ વિભાગે કુમાર સામે કાર્યવાહી હાથ ધરીને શનિવારના રોજ તેમના 4 સ્થળોએ દરોડો પાડ્યો હતો.

(12:00 pm IST)