મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

ગર્ભપાતને કાયદેસર બનાવતા પાંચ દાયકા જૂના નિર્ણયને સુપ્રીમકોર્ટે પલ્ટી નાખતા અમેરિકામાં ઠેર ઠેર દેખાવો શરૂ

અમેરિકાના અડધાથી વધુ રાજ્યો ગર્ભપાત કાયદાને લગતા નવા નિયંત્રણો લાગુ કરી શકે: 13 રાજ્યો પહેલાથી જ ગર્ભપાતને ગેરકાયદેસર ગણાવતા કાયદા પસાર કરી ચૂક્યા છે

અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં એક એવો નિર્ણય જાહેર કર્યો છે, જે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યુ છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને કાયદેસર બનાવતા પાંચ દાયકા જૂના નિર્ણયને ઉલટાવી દીધો છે, જેના પછી દેશના જુદા જુદા શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે. હવે અમેરિકાના વિવિધ રાજ્યો મહિલાઓ માટે ગર્ભપાતનો અધિકાર કાયદેસર રહેશે કે નહીં તે અંગે પોતાના નિયમો બનાવી શકે છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકાનાઅડધાથી વધુ રાજ્યો ગર્ભપાત કાયદાને લગતા નવા નિયંત્રણો લાગુ કરી શકે છે. 13 રાજ્યો પહેલાથી જ ગર્ભપાતને ગેરકાયદેસર ગણાવતા કાયદા પસાર કરી ચૂક્યા છે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ કાયદા અમલમાં આવશે.

યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે રો વિ. વેડ કેસમાં 50 વર્ષ જૂના નિર્ણયને પલટી નાખ્યો હતો, જેણે ગર્ભપાતને કાયદેસર બનાવ્યો હતો અને કહ્યું હતું કે બંધારણ ગર્ભવતી મહિલાઓને ગર્ભપાત સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટનો હાલનો આ નિર્ણય ગર્ભપાત વિરોધીઓના દાયકાઓથી ચાલી રહેલા પ્રયત્નોને સફળ બનાવવા જઈ રહ્યો છે.

ભારતમાં ગર્ભપાત સંબંધિત કાયદામાં ગયા વર્ષે સુધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગર્ભપાત માટે માન્ય સમયગાળો 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવ્યો હતો. ગર્ભપાત માટેની માન્યતાનો સમયગાળો ચોક્કસ પ્રકારની મહિલાઓ માટે લંબાવવામાં આવ્યો છે, જેને MTP નિયમોમાં સુધારા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવશે અને તેમાં બળાત્કાર પીડિતા, સંબંધીઓ સાથે જાતીય સંપર્કનો ભોગ બનેલી અને અન્ય સંવેદનશીલ મહિલાઓ, વિકલાંગ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાં સગીર પણ સામેલ હશે.

આ સિવાય જો ગર્ભ 20-24 અઠવાડિયાનો હોય તો અમુક કેટેગરીની મહિલાઓએ બે ડોક્ટરની સલાહ લેવી પડશે અને જો ગર્ભ 24 અઠવાડિયાથી વધુનો છે તો તબીબી સલાહ બાદ જ પરવાનગી આપવામાં આવશે. અગાઉ ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ, 1971 હતો, જેમાં સુધારા કરવામાં આવ્યા છે. આ કાયદામાં એવી જોગવાઈ હતી કે જો કોઈ મહિલા 12 અઠવાડિયા સુધી ગર્ભવતી હોય તો તે ડૉક્ટરની સલાહ પર ગર્ભપાત કરાવી શકે છે. 12-20 અઠવાડિયામાં બે ડૉક્ટરોની સલાહ ફરજિયાત હતી અને મહિલાને 20-24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાની મંજૂરી નહોતી.

(12:00 am IST)