મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

શીવસેનાની રાષ્ટ્રીય કારોબારીએ ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે પગલાં લેવા સત્તા આપી: એકનાથ શિંદેનો દાવો છે કે બળવાખોર શિવસેનાના ધારાસભ્યોના ઘરની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી: શિંદે જૂથે કહ્યું હતું કે, તેમના નવા પક્ષનું નામ 'શિવસેના (બાળાસાહેબ)' રાખ્યું છે: બળવાખોરો સામે ઠેરઠેર ઉગ્ર વિરોધ, પથ્થરમારો, બેનરો ફાડ્યા

મુંબઈ :શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ આજે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેને "જેઓએ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે" તેમની સામે પગલાં લેવા અધિકૃત કરતો ઠરાવ પસાર કર્યો હતો, જોકે બળવાખોર નેતા એકનાથ શિંદે સામે તાત્કાલિક પગલાં લેવાનું ટાળ્યું હતું.

અહીં મળેલી કારોબારીએ એવો ઠરાવ પણ પસાર કર્યો હતો કે અન્ય કોઈ રાજકીય સંગઠન કે જૂથ શિવસેના અને તેના સ્થાપક દિવંગત બાલ ઠાકરેના નામનો ઉપયોગ કરી શકશે નહીં, ગુવાહાટીમાં આશરો લઈ રહેલા શિંદે જૂથે કહ્યું હતું કે, તેમના નવા પક્ષનું નામ 'શિવસેના (બાળાસાહેબ)' રાખ્યું છે. આ સામે શિવસેનાએ પંચ સમક્ષ આ કરી રજૂઆત કરી જો કોઈ આવું નામ રાખશે તો તેની વિરુદ્ધ કાનૂની પગલાં ભરવા ચીમકી આપી છે

 શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદેએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે પોતાના અને તેમના પરિવારો સહિત પાર્ટીના ૩૮ બળવાખોરોના રહેઠાણોમાંથી સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે અને આ કાર્યવાહીને "રાજકીય બદલો" તરીકે ગણાવી છે, જોકે ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે આ વાતને નકારી કાઢેલ છે.
પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચે શિવસેનાના નિયંત્રણ માટે ચાલી રહેલી લડાઈ શનિવારે મહારાષ્ટ્રના રસ્તાઓ પર આવી ગયેલ અને ઉદ્ધવ ઠાકરેને વફાદાર કાર્યકર્તાઓએ બળવાખોરોના બેનરો ફાડી નાખી, પત્થરો ઝિંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના વિવિધ ભાગોમાં બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં તોડફોડ કરેલ.  એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે મુંબઈ પોલીસે તેના પોલીસ સ્ટાફને સુરક્ષાના પગલા તરીકે મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓની શહેર સ્થિત કાર્યાલયો અને તેમના નિવાસસ્થાનો પર તૈનાત કર્યા છે.

(11:01 pm IST)