મુખ્ય સમાચાર
News of Saturday, 26th June 2021

ખેડૂત આંદોલનને ફરી ટેકો જાહેર કરતા રાહુલ ગાંધી

ખેડૂત આંદોલનના સાત મહિના બાદ પણ ઉકેલ ન આવ્યો : આંદોલન કરી રહેલા ખેડૂતોની વાત સાંભળવા સરકાર તૈયાર હોવાનો કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનો દાવો

નવી દિલ્હી, તા.૨૬ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનુ સમર્થન જાહેર કર્યુ છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, બહુ સ્પષ્ટ વાત છે અને અમે સત્યાગ્રહ કરી રહેલા અન્નદાતાઓની સાથે છે.ઉલ્લેખનીય છે કે, આજે ખેડૂત આંદોલનના સાત મહિના પૂરા થયા છે.ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૨૬ તારીખથી ખેડૂતોએ આંદોલન શરુ કર્યુ હતુ ત્યારે આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે તે વાતને ફરી દોહરાવી છે.

ખેડૂતો હજી પણ દિલ્હીની બોર્ડરો પર ધરણા કરી રહ્યા છે.ખેડૂતોની માંગ છે કે, સરકાર ત્રણે કૃષિ કાયદા રદ કરે અને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ માટે ગેરંટી આપે.ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત પણ યાદ દેવડાવી ચુકયા છે કે, સરકાર યાદ રાખે કે ૨૬ તારીખ દર મહિને આવે છે.

દરમિયાન દિલ્હીમાં ખેડૂત આંદોલનની આશંકાને લઈને મેટ્રો સ્ટેશનોને બંધ રાખવામાં આવ્યા છે.ખેડૂતો આજે સાત મહિના પૂરા થવા નિમિત્તે દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર શક્તિ પ્રદર્શન કર્યું છે.અહીંયા ખેડૂતો ટ્રેકટર રેલી થકી પહોંચ્યા છે.દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન થવાની બીકે સુરક્ષા મજબૂત કરાઈ છે.

દરમિયાન કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે કહ્યુ હતુ કે, અમે ખેડૂતોની મુશ્કેલીઓ સમજવાની કોશિશ કરી છે.આજે પણ સરકાર ખેડૂતોની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર છે.જે દિવસે ખેડૂતો તરફથી વાતચીતનો પ્રસ્તાવ આવશે તે દિવસે અમે વાતચીત માટે તૈયાર હોઈશું.

(7:52 pm IST)