મુખ્ય સમાચાર
News of Saturday, 26th June 2021

ફ્લોરિડામાં ૧૨ માળની ઈમારત ધરાસાયી : ચાર લોકોના મોત : ૧૬૦ લોકો હજુ કાટમાળમાં ફસાયા

સર્ફસાઈડ શહેરમાં ભયાનક દુર્ઘટના: દરિયાકાંઠે આવેલી એક ૧૨ માળની ઈમારત ધરાશયી : બચાવ ટૂકડીઓએ ૧૦૨ લોકોને બચાવી લીધા

ફ્લોરિડાના સર્ફસાઈડ શહેરમાં દરિયાકાંઠે આવેલી એક ૧૨ માળની ઈમારત એકાએક ધરાસાઈ થઈ ગઈ હતી. તેમાં ચારનાં મોત થયા હતા. ૧૬૦ લોકો હજુય કાટમાળમાં ફસાયા હોવાનો અંદાજ છે.
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલાં સર્ફસાઈડ શહેરમાં ભયાનક દુર્ઘટના બની હતી. ૪૦ વર્ષ જૂની એક ૧૨ માળની ઈમારત અચાનક ધરાસાઈ થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધસી પડતાં અસંખ્ય લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા.
મિયામીના મેયરે કહ્યું હતું કે બચાવ ટૂકડીઓએ ૧૦૨ લોકોને બચાવી લીધા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગમાં રહેતા ૧૬૦ કરતાં વધુ લોકો હજુય લાપતા છે. એટલે કે આ બધા જ લોકો કાટમાળમાં દટાયા હોવાની શક્યતા છે.
બિલ્ડિંગમાં ૧૩૦ કરતાં વધારે યુનિટ હતા. એ તમામની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. બચાવ ટૂકડીના કહેવા પ્રમાણે મૃત્યુ આંક ઘણો વધારે હોવાની પૂરી શક્યતા છે. આ ઘટના બની તેની મિનિટો પછી ત્યાં હાજર રહેલાં લોકોના કહેવા પ્રમાણે બિલ્ડિંગની આસપાસ ભયાનક ચીસો સંભળાતી હતી અને અંદરથી લોકોએ બચાવવા માટેની વિનંતી કરી હતી.
ઈમારત કેવી રીતે ધરાસાઈ થઈ - તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું ન હતું. સર્ફસાઈટની આ ઈમારત ૪૦ વર્ષ જૂની હોવાનું કહેવાયું હતું. આ શેમ્પ્લેન ટાવર્સ નામની ઈમારત દરિયાકાંઠે બાંધવામાં આવી હતી.
ફ્લોરિડાના ગવર્નરે પીડિત પરિવારોને આર્થિક મદદ આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તે ઉપરાંત સ્થિતિની ગંભીરતાને જોઈને કટોકટી જાહેર કરી હતી.

(12:00 am IST)