મુખ્ય સમાચાર
News of Friday, 26th June 2020

પોલીસ પણ ગોટે ચડી

અજબગજબ! યુવતીએ એક છોકરી અને એક છોકરા બંને સાથે લગ્ન કરી લીધા

બેંગસરાય, તા.૨૬: બેગૂસરાયમાં એક અચંબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જયાં એક યુવતીએ બે લગ્ન કર્યા છે પરંતુ તેનો એક પતિ પુરુષ છે તો બીજો મહિલા છે. વિચારમાં પડી ગયા ને! વાત એમ છે કે, યુવતીએ બે જણ સાથે લગ્ન કર્યા જેમાંથી એક યુવક અને એક યુવતી છે. હવે મુસીબત ઊભી થઈ છે કે, યુવતી કોની સાથે રહેશે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. પોલીસ પણ મૂંઝવણમાં છે કે આખરે કાર્યવાહી કેવી રીતે કરવી.

આ મામલો સમલૈંગિકતાનો છે. ઝારખંડના ચતરા જિલ્લાની બે યુવતીઓમાં મિત્રતા થઈ. બંનેની દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી અને શારીરિક સંબંધ પણ બંધાયો. બંને યુવતીઓ વચ્ચે પ્રેમ એટલો ગાઢ થયો કે બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. તેઓ બંનેને એકબીજાના પતિ માને છે.

હવે યુવતીનો પરિવાર તેના આ લગ્નથી અજાણ હતો. બેમાંથી એક યુવતીના પરિવારે આ મહિને જ તેના લગ્ન બિહારના બેગૂસરાયના એક યુવક સાથે કરાવી દીધા. લગ્ન બાદ યુવતી સાસરે આવી ગઈ. ૧૫ દિવસ બાદ તે યુવતીની પાર્ટનર યુવતી મળવા માટે ચતરાથી બેગૂસરાય આવી પહોંચી. ત્યાં આવીને જિદ્દ કરવા લાગી કે તે પરિણીત યુવતીને છોડી નહીં શકે.

હવે યુવતીના સાસરિયામાં આ વાતનો ખુલાસો થતાં હોબાળો મચી ગયો. કોઈને કશી જ સૂઝ પડતી નહોતી કે શું કરવું. એક તરફ ચતરાથી આવેલી યુવતી પોતાની પાર્ટનરને લઈ જવાની જિદ્દ પકડીને બેઠી હતી. એવામાં યુવકના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હવે, દ્યટના સ્થળે પહોંચેલી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ કે શું કરવું?

પોલીસ બંને યુવતીઓને લઈને પોલીસ સ્ટેશન તો આવી ગઈ પરંતુ સમજાઈ નથી રહ્યું કે નિવેડો કેવી રીતે લાવવો. લગ્ન કરીને બેગૂસરાઈ આવેલી યુવતીનો દાવો છે કે તેણે સાસરે આવ્યા પછી પતિને હકીકતની જાણ કરી હતી. તેણે કહ્યું કે, પોતાનો અન્ય યુવતી સાથે સમલૈંગિક સંબંધ છે. ત્યારે પતિએ કહ્યું હતું કે, જો તે સમલૈંગિક પાર્ટનર સાથે જવા માગતી હોય તો રોકશે નહીં.

આ તરફ ચતરાથી આવેલી યુવતીનો દાવો છે કે બંને છેલ્લા બે વર્ષથી એકબીજાને પતિ-પત્ની માનીને જીવે છે. બંને સાથે રહેતી હતી. પોલીસે જણાવ્યું કે, ફરિયાદ મળ્યા પછી બંને યુવતીઓને સુરક્ષા આપવાના હેતુથી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. પોલીસના મતે, પ્રણય ત્રિકોણનો આ અજીબોગરીબ કિસ્સો છે. પરંતુ કોશિશ થઈ રહી છે કે, કાયદા દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધવામાં આવે. આ આખી ઘટનાની ચર્ચા જોરજોરથી થઈ રહી છે. જે સાંભળે છે તે આશ્ચર્યમાં મૂકાઈ જાય છે.

(2:51 pm IST)