મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

અમરનાથ યાત્રાની તૈયારીને લઇ અમિત શાહની વાતચીત

જમ્મુ કાશ્મીરમાં જુદા જુદા પાસા પર ચર્ચા : અમિત શાહ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય સાથે વાતચીતમાં વ્યસ્ત : આજે પાટનગર દિલ્હીમાં પરત ફરશે

નવી દિલ્હી, તા. ૨૬  : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય જમ્મુ કાશ્મીર પ્રવાસ શરૂ થઇ ગયો છે. તેઓ રાજ્યના સુરક્ષાની સ્થિતિને સમીક્ષા કરી રહ્યા છે. આગામી સપ્તાહથી વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની જમ્મુ કાશ્મીરની આ પ્રથમ યાત્રા છે. અગાઉના કાર્યક્રમ મુજબ તેઓ ૩૦મી જૂનના દિવસે એક દિવસ માટે કાશ્મીર ખીણ જનાર હતા. ગૃહમંત્રી શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી ચુક્યા છે. યાત્રાના બીજા દિવસે અમિત શાહ જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓ સાથે પણ વાતચીત કરનાર છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસના શહીદ થયેલા ઇન્સ્પેક્ટર અર્શદ ખાનના પરિવારના સભ્યોને મળવા માટે પહોંચનાર છે. અર્શદ ખાન ૧૨મી જૂનના દિવસે કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયા હતા. ગૃહમંત્રી અમિત શાહ આ પ્રવાસ ઉપર જમ્મુ અને લડાખ ક્ષેત્રોમાં પહોંચી રહ્યા છે. તેઓ બાબા અમરનાથની પૂજા અર્ચના કરવાની અગાઉ યોજના ધરાવતા હતા જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વાર્ષિક અમરનાથ યાત્રા આગામી સપ્તાહથી શરૂ થઇ રહી છે. અમરનાથ યાત્રાને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

 જુલાઈ ૨૦૧૭માં ત્રાસવાદીઓએ અમરનાથ શ્રદ્ધાળુઓની બસ ઉપર હુમલો કર્યો હતો જેમાં આઠથી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા તમામ સુરક્ષા પાસા પર ચર્ચા કરવા માટે અમિત શાહ આજે જમ્મુ કાશ્મીર પહોંચી ગયા હતા. તેઓએ જુદા જુદા પાસાઓ ઉપર સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષામાં કોઇ કચાસ ન રહે તે હેતુસર આ વાતચીત યોજાઈ હતી.

(11:50 pm IST)